જામનગરમાં આજે રાજકીય રીતે ભડકો થયો છે. બન્યું એવું કે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા આ મામલો થાળે પાડવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ ઝઘડાને લઈ નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ. તો વળી આ અંગે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે, એમાં હું કંઇ કમેન્ટ કરવા માંગતી નથી.
મારી માટી મારો દેશ કાર્યક્રમમાં અચાનક જ ધારાસભ્ય રિવાબા જાડેજા બગડ્યા હતા અને પહેલાં મેયરને ખખડાવતાં કહ્યું હતું કે, ઓકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી.
તો વળી આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ રોષ ઠાલવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, સળગાવવાવાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે.
આખો મામલો કંઈક એવો હતો કે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય નેતાઓ હાજર હતાં.
એ જ વખતે કોઈ વાતે વાંધો પડતાં ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ પર સરા જાહેર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને હવે આ વાત આખા ગુજરાતમાં ચર્ચાવા લાગી છે.