રાજકોટ શહેરના રાજકારણમાં સૌથી મોટો ખળભળાટ સામે આવી રહ્યો છે. આ પાછળનું કારણ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ સભ્યોનું અચાનક જ રાજીનામું. માહિતી મળી રહે છે કે ગતરોજ સોમવારે ભાજપ પ્રદેશ પ્રમુખે આ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ એક સાથે રાજીનામા આપ્યા છે. જેના કારણે રાજકોટના સ્થાનિક ભાજપ રાજકરણમાં મોટો ભૂકંપ આવ્યો છે. એક સાથે તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે. જો કે આ તરફ રાજકીય સુત્રો જણાવી રહ્યા છે રાજીનામા પાછળ શિક્ષણ સમિતિ પર અગાઉ લાગેલા આક્ષેપો અને ભાજપનો આંતરીક વિખવાદ પણ જવાબદાર છે.
શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતું. જેના પછી નવા તર્ક વિતર્ક લાગી રહ્યા હતા. જોકે, આ વચ્ચે રાજકોટમાં ફરી ભાજપની અંદર બધુ બરાબર ન હોવાની પણ વાતો સામે આવી રહી છે. જોકે, આ સમગ્ર મામલે રાજકોટ પ્રદેશના કમલેશ મિરાણીએ જણાવ્યું કે, પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે. તેમજ પાર્ટીના આદેશ બાદ નવી કમિટી બનાવવામાં આવશે. જેના માટે કોઈપણ પ્રકારનો જૂથવાદ નથી. મળતી વિગતો અનુસાર આજરોજ રાજકોટ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 15 સભ્યોની સમિતિએ રાજીનામું ધરી દીધું છે.
જયારે અચાનક જ સમગ્ર સમતિએ રાજીનામા આપતા અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે. જેમાં ભાજપમાં આંતરીક ખટરાગ અને અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કારણ જે કંઈ પણ હશે તે પણ અચાનક જ આખી સમિતિએ રાજીનામું ધરવા પાછળનું કારણ ચોક્કસ ગંભીર હશે. આ મામલાની જાણકારી આપતા ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપમાં બધું જ સહિ સલામત છે, કોઈ જૂથવાદ કે અન્ય કારણો આ રાજીનામા પાછળ જવાબદાર નથી.
તો વળી આ તરફ શિક્ષણ સમિતિના સભ્યએ જણાવ્યું કે, પાર્ટી તરફથી મળેલી સૂચના સર્વોપરી છે. જેમાં કોઈપણ જૂથવાદને સ્થાન નથી. ભાજપ અને શિક્ષણ સમિતિ સાથે રહીને કામ કરે છે અને કરતી રહેશે. પાર્ટીએ અત્યાર સુધી જે પણ જવાબદારી આપી છે તેને સારી રીતે કરી છે અને આગળ પણ કરવામાં આવશે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક મતભેદ હોવાની પણ વાતો વહેતી થઈ છે. જેમાં શિક્ષણ સમિતિનો મામલો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે પણ પહોંચ્યો હતો. જે પછી આખી શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતું. જેમાં શિક્ષણ સમિતિના તમામ સભ્યોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા. જે પછી આજે તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે. કુલ 15 સભ્યોએ રાજીનામા આપ્યા છે.
રાજીનામા આપનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની યાદી
1 – અતુલ પંડિત – ચેરમેન
2 – સંગીતા બેન છાયા – વાઇસ ચેરમેન
3 – કિશોર પરમાર – સભ્ય
4- વિજય ટોળીયા – સભ્ય
5 – રવિ ગોહેલ – સભ્ય
6 – કિરીટ ગોહેલ – સભ્ય
7 – તેજસ ત્રિવેદી – સભ્ય
8 – જે ડી ભાખડ – સભ્ય
9 – શરદ તલસાણીયા – સભ્ય
10 – અશ્વિન દુઘરેજીયા – સભ્ય
11 – ધર્ય પારેખ – સભ્ય
12 – ફારૂખ બાવાણી – સભ્ય
13 – પીનાબેન કોટક – સભ્ય
14 – જાગૃતિબેન ભાણવડિયા – સભ્ય
15 – મેઘાવી સિંધવ – સભ્ય
જો કે આમ જોવા જઈએ તો હાલ તો રાજીનામું આપનારા તમામ સભ્યો પણ ભાજપમાં બધું જ સરખું ચાલતું હોવાના દાવા કરી રહ્યા છે. પરંતુ લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે જો બધું જ સરખું ચાલી રહ્યું છે તો ટર્મ પુરી થાય તે પહેલા જ રાજીનામા શા માટે લઈ લેવામાં આવ્યા? ત્યારે હવે આગામી સમયમાં કંઈ નવા ખુલાસા થાય તો નક્કી નહીં.