Cyclone Tej: હાલમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન ‘તેજ’ની ચારેકોર ચર્ચા છે. એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ તેજ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદ અને પવનના છુછવાટા આવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ કહ્યું છે કે વાવાઝોડાની કોઈ જ અસર નહીં થાય તો આ તરફ અંબાલાલ પટેલ કંઈક અલગ આગાહી કરી રહ્યા છે.
અંબાલાલે આ વાવાઝોડા વિશે વાત કરી કે 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. ભારતમના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે. ત્યારે આગામી સમય જ બતાવશે કે વાતાવરણ કેવું રહેશે.