અમદાવાદ સહિત રાજ્યભરમાં 4-5 દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે અમદાવાદ અને રાજકોટમાં ઉઘાડ નીકળ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે.
7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ વરસાદ પડશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે.
11-12 જૂલાઈએ દરિયાકિનારે પવન ફૂંકાશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ વરસી શકે છે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની શક્યતા છે. રાજ્યભરમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની શક્યતા છે.
ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં દબાણ ઉભું થશેઃ અંબાલાલ
ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે. ભારત-પાકની મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે.
18, 19 અને 20 નવેમ્બરે વાવાઝોડાની શક્યતાઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. વધુમાં 18, 19 અને 20 નવેમ્બરે વાવાઝોડાની સંભાવના છે.
આ પણ વાંચોઃ
રાજ્યમાં અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ પડ્યો
ગુજરાતમાં સિઝનનો 31.40% વરસાદ નોંધાયો છે. ચોમાસાના પ્રારંભ બાદ અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 1 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 35 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ, 14 તાલુકામાં 5થી 10 ઈંચ, 37 તાલુકામાં 2થી 5 ઈંચ અને 3 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.