ગુજરાતમાં અને દેશભરમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો જોઈએ તો ગુજરાતમાં છેલ્લા બે મહિલામાં ઘણા લોકોનું આ રીતે મોત નિપજ્યું છે. હવે સુરતમાં આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર મચી ગયો છે.
વાત જાણે કે એમ છે કે સુરતમાં ક્રિકેટ બાદ હવે યોગ કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાલમાં માહિતી મળી રહી છે કે યુવકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામાં 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરતાં કરતાં જ ઢળી પડ્યા હતા.
સવારથી મુકેશભાઈ આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી મુકેશભાઈને તાત્કાલિક નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકનો માહોલ છે અને અરેરાટી છૂટી ગઈ છે.