આજે જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ તેમજ શહેરના મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી. આ જાહેર કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યકરો અને સ્થાનિકો હાજર હતા. જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં તુતુ-મેમે થતાં SP, શહેર પ્રમુખ, કમિશનર મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી. ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.
ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં રિવાબા જાડેજા ખુબ જ ગુસ્સે થઈને સાંસદ પૂનમ માડમને એવું કહેતા દેખાઈ રહ્યાં છેકે, ચૂંટણીમાં પણ આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.