લોક પત્રિકા સ્પેશિયલ
જીવતી માણસાઈનો માણસ
લેખક- અલ્પેશ કારેણા
કુદરતે આપણને સરસ મજાનું જીવવા લાયક પ્લેટફોર્મ તૈયાર કરીને આપ્યું છે. આપણી સાથે સાથે ઘણા સજીવોને પણ આ ધરતી પર અવતાર આપ્યો અને બધા સુખેથી જીવી શકે એવી વ્યવસ્થા સરસ રીતે ગોઠવી આપી. પરંતુ માણસ જાતને મગજ વધારે એટલે ક્યારે કેવી જગ્યાએ ચાલે એનું નક્કી ન રહ્યું અને ધરતી પર રાજ કરવા લાગ્યો. માણસ સિવાયના સજીવો અને વૃક્ષો વનસ્પતિ પીડાવા લાગ્યા. પરંતુ આ દરેક સજીવનો બેલી થઈને ઘણા ફાઉન્ડેશન અને પ્રકૃતિ પ્રેમી લોકો સેવા કરી રહ્યા છે. આજે એવા જ એક પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિના બેલી અને પ્રકૃતિમાં પારંગત માણસની વાત કરવી છે. આ ફરિસ્તાનું નામ છે અશોક ભટ્ટ. દેવ ભુમિ દ્વારકાના અશોક ભટ્ટ ભાણવડ ખાતે રહીને જામ ખંભાળિયામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે હજારો અબોલ જીવ અને પ્રકૃતિ માટે પોતાનો જીવ રેડી દેવા માટેની સેવાભાવી પ્રવૃતિ કરી રહ્યા છે. તો આવો જાણીએ અશોકભાઈ ભટ્ટ અને એમની સેવાકીય પ્રવૃતિ વિશે.
ગુજરાતનો સૌથી અનોખો શિક્ષક
અશોકભાઈ હાલમાં શિક્ષકના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેઓ ખંભાળિયા ખાતે સરકારી શાળામાં 11- 12 ધોરણમાં છેલ્લા 7 વર્ષથી ભુગોળ વિષય ભણાવી રહ્યાં છે. 34 વર્ષની ઉંમરે તેઓનું અબોલ જીવો માટેનું કામ અનેક લોકોએ અને અનેક સંસ્થાઓએ દિલથી એવોર્ડ આપીને તેમજ સન્માન આપીને નવાજ્યું છે. છેલ્લા 16 વર્ષથી આખો દ્વારકા જિલ્લો તમને પ્રકૃતિના પ્રહરી તરીકે જ ઓળખે છે. હજારોની સંખ્યામાં અબોલ જીવોને નવું જીવન આપવામાં અશોકભાઈ અને એમની ટીમનો સિંહફાળો છે.
આ રીતે શરૂ થયો સેવાયજ્ઞ
તેમના સેવાકીય કાર્યની શરૂઆત વિશે અશોકભાઈ જણાવે છે કે જ્યારે તેઓ આઈટીઆઈ કરતાં હતા ત્યારે સાપ રેસ્ક્યૂ કરવાનું શીખ્યા. અલગ અલગ વન વિભાગની ટીમ સાથે જતાં અને શીખતા. આ રીતે કુદરતના ખોળે રમતા રમતા તેઓને પ્રકૃતિ અને અબોલ જીવો પ્રત્યે અનોખી લાગણી બંધાઈ ગઈ અને શરૂ થયો એક નવો જ સેવાયજ્ઞ. આ યજ્ઞ છેલ્લા 16 વર્ષથી હજુ પણ અવિરત ચાલી જ રહ્યો છે. સાપના રેસ્ક્યુથી શરૂઆત 16 વર્ષ પહેલા કરી હતી અને પછી ધીરે ધીરે સેવાકીય પ્રવૃતિ કરતા ગયા.
અબોલ જીવો માટે અડધી રાતનો હોંકારો
અશોકભાઈની સેવા કંઈ નાની અમથી નથી. દેખાવમાં યુવાન લાગતો આ શખ્સ એકસાથે હજાર કામો કરી રહ્યો છે અને એ પણ માત્ર અને માત્ર સેવાના. જ્યાંથી એમને એકપણ પૈસાની આવક નથી. એમની અલગ અલગ સેવાકીય પ્રવૃતિની નોંધ લઈએ તો એમાં અબોલ જીવોની સેવા, સાપ રેસ્ક્યુ, સાપની સારવાર, સ્ટ્રીટ એનિમલમાં આવતા દરેક પ્રાણી ગાય, કૂતરું, બિલાડી, અનેક પક્ષીઓ દરેકનું રેસ્ક્યુ અને એમની સારવાર માટે અશોકભાઈ છેલ્લા 16 વર્ષથી અડધી રાતના હોંકારાની જેમ કામ કરી રહ્યા છે.
આધુનિક હાઈડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ
અશોકભાઈના કામને થોડા વિસ્તારથી જોઈએ તો તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર જઈને અબોલ જીવોની સંભાળ લે છે. પોતાની પાસે એક અતિ આધુનિક હાઈડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ પણ છે. આ એમ્બ્યુલન્સમાં એટલી ખતરનાક સુવિધા છે કે જોનારા પણ ગોથે ચડી જાય. આ એમ્બ્યુલન્સ કોઈ કંપનીની નથી, પરંતુ એમના અનુભવો અને જરૂરિયાત પ્રમાણે ઉભી થનાર એક ગાડી છે. 5 ટનનું એનિમલ હોય તો પણ ગાડીમાં આવી જાય. એની તમામ પ્રકારની સારવાર પણ થઈ જાય. જો કોઈ એવી સારવારની જરૂર હોય તો પ્રાણી કે પક્ષીને રાજકોટ, જુનાગઢ અને મોરબી લઈ જવામાં આવે છે. કારણ કે ઓપરેશન કરવાનું હોય કે કંઈક ગંભીર બિમારી હોય તો એમના એક્સપર્ટ ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે.
ગુજરાત આખું નોંધ લે એવો બળદ આશ્રમ
આ સિવાય બીજી એક મોટી વાતનો ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો. મોટાભાગની જગ્યાએ તમે આખા ભારતમાં જોશો તો ગાય માતા માટે કેટલીય ગૌશાળા અને ધર્મશાળા પણ ચાલી રહી છે. પરંતુ ગાયના જ વંશ બળદ તરફ લોકોએ અને સેવાભાવી સંસ્થાઓએ ઓછું ધ્યાન આપ્યું છે. જ્યારે ખેડૂત માટે પણ બળદ બિમાર પડે કે ઉમરલાયક થાય તો કંઈ કામનો નથી રહેતો. ત્યારે આવા બધા બળદો રસ્તા પર રખડતા હોય અને બે ટંકના ભોજન તેમજ પાણી માટે તરસી રહ્યા હોય છે. તેઓ બિમાર હોય તો કોઈ જોવા સુદ્ધા ઉભું નથી રહેતું. ત્યારે આવા તમામ બળદો માટે અશોકભાઈ અને એમની 15 લોકોની ટીમ ભાણવડ ખાતે બળદ આશ્રમ ચલાવી રહ્યા છે. બળદ આશ્રમમાં હાલમાં 62 બળદ છે. અત્યાર સુધીમાં 34 ઓપરેશન કર્યા છે. કોઈને કોલ આવે અને કહે કે અહીં આવી પરિસ્થિતિમાં બળદ છે કે તરત જ અશોકભાઈ અને એમની ટીમ પહોંચી જાય છે. જો તમારા ધ્યાનમાં પણ કોઈ આવો જરૂરિયાતમંદ બળદ આવે તો તમે પણ 9512553434 આ નંબર પર અશોકભાઈને કોલ કરીને જાણ કરી શકો છે. આ આખો આશ્રમ દાતાઓથી ચાલે છે. 15 લોકોની ટીમ છે.
અશોકભાઈની સેવાની અવિરત વહેતી ધારા
સાથે જ અશોકભાઈની અખૂટ સેવાઓની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષથી કુંડા, ચકલી ઘર અને સિમેન્ટની કુંડીનું વિતરણ કરવામાં આવે છે. 30 દિવસમાંથી 20 દિવસ બિનવારસી ગૌવંશને ઘાસચારો અને શ્વાનોને દૂધનું વિતરણ કરવામાં આવે છે. વન વિભાગ સાથે રહીને બધા જ જંગલી પ્રાણીનું રેસ્ક્યુ કરવામાં આવે છે. એક વર્ષમાં 30 જેટલા પોગ્રામ પણ સાપ વિશે કરવામાં આવે છે. કે જેથી લોકો સાપ વિશે જાણતા થાય. લોકોને સપથ લેવડાવવામાં આવે છે કે સાપ આપણો શત્રુ નહીં પણ મિત્ર છે. આ 2 કલાકનો લેક્ચર હોય છે. આવા એમના પોગ્રામથી હજારો લોકોની અંધશ્રદ્ધા દૂર થઈ છે. ગરબાને ચકલીનો માળો બનાવીને લોકોને આપવાનો પણ એમનો આગામી પોગ્રામ છે. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે છે અને અત્યાર સુધીમાં 18 જેટલા બ્લડ ડોનેશન કેમ્પ માત્ર અને માત્ર ખંભાળિયા સિવિલ હોસ્પિટલના લાભાર્થે કરી ચૂક્યા છે. ઉતરાયણ દરમિયાન કરૂણા અભિયાન પણ ચલાવવામાં આવે છે. એક રેલી કાઢવામાં આવે છે અને એમા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત લેક્ચર પણ આપવામાં આવે છે. પક્ષીઓ ન મરે એવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરીને આ વિશે જ્ઞાન ફેલાવવામાં આવે છે. ઉત્તરાયણ બાદ દોરા બધી જગ્યાએથી લઈને નાશ કરવામાં આવે છે.
વિદ્યાર્થીમાં મુલ્ય શિક્ષણનું આલેખન
શાળામાં પણ તેઓએ એક અનોખી જ સેવાની જ્યોત જલાવી છે. યુવાન લોકોને અબોલ જીવો પ્રત્યે જાગરૂકતા આવે એ માટે વિદ્યાર્થીઓને દંડ રૂપે 10 રૂપિયા આપવાના અને પછી આવા સેવાના કામમાં વાપરવાનો નિય બહાર પાડ્યો છે. ગુનામાં આવેલા વિદ્યાર્થી જ દંડ જ ભોગવે અને સેવામાં પોતાના હાથે જ વાપરે. જે લોકો ક્યારેય દંડમાં ન આવે તો એ પોતે 100 રૂપિયા મહિને આપે અને આ રીતે સેવા કરે. એમાં પણ જો પૈસા ઘટે તો અશોકભાઈ ખૂદ ખિસ્સામાંથી ભોગવે પરંતુ કામ અટકે નહીં. મુલ્ય શિક્ષણનું પણ વિદ્યાર્થીમાં આલેખન થાય એટલે અત્યારથી અશોકભાઈ વિદ્યાર્થીને તૈયાર કરી રહ્યા છે.
અનેક એવોર્ડોના હિમાયતી
અશોકભાઈના કામને અનેક લોકોએ એવોર્ડોથી નવાજ્યા છે. હાલમાં જ આનંદીબેન પટેલના હાથે પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ-2023 મળ્યો. આ સાથે જ એનિમલ લવર્સ એવોર્ડ, શ્રેષ્ઠ બ્રહ્મ યુવા સન્માન (બ્રહ્મ સમાજ ભાણવડ દ્વારા), સેવા રત્ન એવોર્ડ (પુરુષાર્થ વિદ્યાલય દ્વારા), સંવેદના એવોર્ડ, બ્રહ્મ યુવા રત્ન એવોર્ડ, વન મહોત્સવ સન્માન જેવા અનેક સન્માનથી અશોકભાઈની પ્રવૃતિને પોંખવામાં આવી છે.