સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન આપ્યું છે. આ ભારત બંધ આજથી શરૂ થયો છે અને આવતીકાલ સુધી ચાલુ રહેશે. જેના કારણે બેંકિંગ, રેલવે અને વીજળી સહિતની ઘણી સેવાઓ પ્રભાવિત થવાની આશંકા છે. ખાનગીકરણના વિરોધમાં બેંકોના કર્મચારીઓ આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. આનાથી સમગ્ર દેશમાં બેંકિંગ કામગીરી પર ભારે અસર પડી શકે છે. આ ઉપરાંત બે દિવસની હડતાળના કારણે એટીએમમાં પણ રોકડની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. દેશની સૌથી મોટી બેંક SBIએ ખુદ આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી છે.
સાપ્તાહિક રજાના કારણે બેંકો 2 દિવસ પહેલાથી જ બંધ હતી. આ કારણે આ હડતાળના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થવાનો છે. 26 માર્ચ મહિનાનો ચોથો શનિવાર હતો, જ્યારે 27 માર્ચે રવિવાર હતો. જેના કારણે બેંકો સતત 2 દિવસ સુધી બંધ છે. હવે હડતાલને કારણે સોમવાર (28 માર્ચ) અને મંગળવારે (29 માર્ચ) બેંકો બંધ રહેશે. આ રીતે દેશમાં બેંકિંગનું કામ સતત 4 દિવસ સુધી ઠપ થવા જઈ રહ્યું છે.
ધ પ્લેટફોર્મ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને સેક્ટરલ ફેડરેશન અને એસોસિએશનના નિવેદન અનુસાર, આવશ્યક સેવાઓના કર્મચારીઓ પણ આ બે દિવસીય ભારત બંધમાં ભાગ લઈ રહ્યા છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવી આવશ્યક સેવાઓના કર્મચારીઓએ પણ ભારત બંધમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. નિવેદન અનુસાર, બેંકિંગ અને વીમા સહિતના નાણાકીય ક્ષેત્રે પણ તેમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટ, ઈન્કમ ટેક્સ વગેરે ક્ષેત્રોના કર્મચારીઓ પણ ભારત બંધનો ભાગ બની રહ્યા છે.