એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો હૃદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે. સંશોધન દર્શાવે છે કે બીટરૂટનો રસ પીવાથી શરીરને અકાર્બનિક નાઈટ્રેટ મળે છે, જે હૃદય સંબંધિત રોગો માટે રામબાણ તરીકે કામ કરે છે. આપણે આપણા વ્યસ્ત જીવનમાં ઘણીવાર આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે હૃદય સંબંધિત રોગોની વાત આવે છે ત્યારે વધુ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો હૃદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે.
અભ્યાસો કહે છે કે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવાથી રક્ત વાહિનીઓમાં બળતરા ઓછી થાય છે. હકીકતમાં, રક્તવાહિનીઓમાં બળતરા સામાન્ય રીતે હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોમાં વધુ જોવા મળે છે. જેના કારણે હાર્ટ એટેક પણ આવે છે.
દરરોજ બીટરૂટનો રસ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓ જેવી કે કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું થાય છે. તે હૃદય રોગનો સૌથી સામાન્ય પ્રકાર છે. આમાં હૃદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ એટેકનું આ સૌથી સામાન્ય કારણ છે. આના કારણે સમગ્ર વિશ્વમાં મહિલાઓ અને પુરુષો મોટા પાયે મૃત્યુ પામે છે.
શરીરમાં ઓછા નાઈટ્રિક ઓક્સાઇડનું જોખમ
જે લોકોના શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, તેમને કોરોનરી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. શરીર કુદરતી રીતે નાઈટ્રિક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે અને સ્વસ્થ રહેવા માટે તે ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ઉપરાંત, તે રક્ત વાહિનીઓમાં બળતરાને પણ નિયંત્રિત કરે છે.
આ સંશોધનનું નેતૃત્વ કરનાર લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના ક્લિનિકલ રિસર્ચ ફેલો ડૉ. અસદ શબ્બીરે જણાવ્યું હતું કે, શરીરને ઈજા અને ચેપથી બચાવવા માટે બળતરા જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, જો કે, કોરોનરી હૃદય રોગ ધરાવતા લોકોમાં સતત બળતરા નુકસાનનું કારણ બની શકે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
તેમણે કહ્યું, અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દરરોજ બીટરૂટનો રસ પીવાથી આપણા શરીરને અકાર્બનિક નાઈટ્રેટ મળે છે, જે શરીરને મદદ કરે છે.
114 લોકો પર સંશોધન કરવામાં આવ્યું
રિસર્ચ ટીમે 114 લોકો પર આ સંશોધન કર્યું હતું. તેમાંથી 78 લોકોને તેમની રક્તવાહિનીઓમાં બળતરા વધારવા માટે ટાઈફોઈડની રસી આપવામાં આવી હતી. તે જ સમયે, 36 લોકોને એક સામાન્ય ક્રીમ આપવામાં આવી હતી, જેના કારણે તેમના શરીર પર નાના ફોલ્લા થઈ ગયા હતા અને સોજો આવી ગયો હતો.
આ લોકોને સતત સાત દિવસ સુધી દરરોજ સવારે પીવા માટે 140 મિલી બીટરૂટનો રસ આપવામાં આવ્યો હતો. આમાંથી અડધા લોકોને બીટરૂટનો રસ આપવામાં આવ્યો હતો, જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હતું, જ્યારે બાકીના જ્યુસમાં નાઈટ્રેટ નહોતું.
જે જૂથને ટાઇફોઇડની રસી આપવામાં આવી હતી તે જૂથના લોહી, પેશાબ અને ગળફામાં નાઇટ્રિક ઑકસાઈડનું સ્તર જ્યારે તેઓ નાઈટ્રેટથી ભરપૂર જ્યુસ પીતા હતા ત્યારે વધતા જોવા મળ્યા હતા, જ્યારે બાકીના લોકોએ એવું કર્યું ન હતું.