રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, હજી આગામી પાંચ દિવસ ગરમીનું પ્રમાણ રહેશે પરંતુ તેમાં ઘટાડો થતો જશે. હવામાન વિભાગે વરસાદ નહીં થવાની અને હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને સુરતમાં આજે પણ હીટવેવની ચેતવણી જાહેર કરાઇ છે. બીજી તરફ શુક્રવારે પાટણમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું હતુ.
હવામાન વિભાગે આજે તાપમાનનો હાલ પ્રમાણે રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના 15 શહેરોમાં ગરમીનો 40 ડિગ્રીને પાર થયો હતો. રાજ્યમાં સૌથી વધુ પાટણમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. જ્યારે આણંદમાં 43.7, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં 42.7, ભૂજમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હવામાન લગભગ સૂકું રહેવાની સંભાવના છે, વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી. કેટલાક ભાગોમાં 44 કે તેનાથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું હોવાનું પણ ડૉ. મોહંતીએ જણાવ્યું છે.
અમદાવાદમાં આજ માટે ઓરેન્જ એલર્ટ છે જ્યારે તે પછી બે દિવસ યલો એલર્ટ રહેશે. આ તરફ સોરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના સુરત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ અને ભાવનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તમેજ આગામી 24 કલાક સુધી હાલ છે તે પ્રમાણેનું જ તાપમાન રહેવાની આગાહી છે, 24 કલાક પછી રાજ્યમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હીટવેવ અંગે આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, પહેલા દિવસે એટલે કે આજે સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસ માટે એટલે કે શનિવારે સુરત, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘મોચા’ વાવાઝોડાનો સંકટ સક્રિય થતો જોવા મળે છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના ભાગોમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં ગુરૂવારની સાથે શુક્રવારે પણ પાટણમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ ‘મોચા’ વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.