રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટનની મહારાણીનો અંગત સુરક્ષા ગાર્ડ ગાયબ થઈ ગયો છે. તે ગાયબ થતા પહેલા તેને પોલેન્ડની ટિકિટ કરાવી હોવાનુ સામે આવ્યુ છે. આ પહેલા તેણે પોતાના પરિવારના સભ્યોને એક પત્ર પણ લખ્યો હતો. આ પછી તેણે સ્નેપચેટ પર એક ફોટો પોસ્ટ કર્યો. આ તમામ ચીજો એ તરફ ઈશારો કરી રહી છે કે આ 19 વર્ષીય સુરક્ષા ગાર્ડ યુક્રેન વતી રશિયા સાથે યુદ્ધ લડવા ગયો છે. એટલું જ નહીં બ્રિટિશ સેનાના વધુ ત્રણ સભ્યો કોઈ કારણ વગર ગાયબ થઈ ગયા છે.
બ્રિટિશ સૈન્યમાંથી સૈનિકોનું અચાનક ગાયબ થવું અને યુક્રેનની બાજુથી તેઓ લડતા હોવાના સંકેતો ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ઈશારો કરે છે. બ્રિટનને ડર છે કે, જો રશિયા આ સૈનિકોને યુક્રેનમાં પકડી લેશે તો તે બ્રિટનને પણ આ યુદ્ધમાં સામેલ ગણશે. ચાર સૈનિકોના અચાનક ગુમ થયા બાદ બ્રિટિશ સંરક્ષણ મંત્રાલય ચિંતિત બન્યું છે. સુરક્ષાના વડાએ રાણીના સુરક્ષા ગાર્ડ સહિત તમામ બ્રિટિશ સૈનિકોને પકડવા માટેનું ઓપરેશન તેજ કર્યું છે.
આ દરમિયાન યુકે આર્મીના ભૂતપૂર્વ વડાએ કહ્યું છે કે સૈનિકોનું કોઈપણ કારણ વગર ફરજ પરથી ગેરહાજર રહેવું એ બેજવાબદારીભર્યું વર્તન છે. જો પકડાય તો જેલ પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ બ્રિટનના ભૂતપૂર્વ સૈનિકોને જ રશિયા સામેની આંતરરાષ્ટ્રીય સેનામાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી.
અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 52 દેશોના લગભગ 20 હજાર સ્વયંસેવકોએ યુક્રેન વતી યુદ્ધમાં ભાગ લેવા માટે અરજી કરી છે. રશિયા યુક્રેન સામે યુદ્ધ શરૂ કરતા પહેલા જ વિશ્વને ચેતવણી આપી ચૂક્યું છે. વ્લાદિમીર પુતિને વિશ્વને ચેતવણી આપી હતી કે જો યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે કોઈ અન્ય દેશ સામે આવશે તો તેને ઈતિહાસનું સૌથી ખરાબ પરિણામ જોવા મળશે.
આવી સ્થિતિમાં, જો બ્રિટિશ સૈનિકો યુક્રેનમાં પકડાય છે, તો રશિયા દાવો કરી શકે છે કે આ સૈનિકોને જાણી જોઈને મોકલવામાં આવ્યા છે. આ પછી તે બ્રિટન સામે પણ કાર્યવાહી કરી શકે છે. યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે અન્ય દેશોના હસ્તક્ષેપ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ દળોને એલર્ટ કરી દીધા છે. આવી સ્થિતિમાં બ્રિટિશ સેનાની ચિંતા વધુ વધી ગઈ છે. વાસ્તવમાં, અત્યાર સુધી કોઈ દેશે રશિયા સામે યુક્રેનના યુદ્ધમાં સીધો ભાગ લીધો નથી. તમામ દેશો યુક્રેનને જ હથિયારો આપી રહ્યા છે.