World News : ભારત અને કેનેડા (India and Canada) વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના આંકડાઓમાં ખુલાસો થયો છે કે જાન્યુઆરી 2018થી જૂન 2023 વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા લીધી છે. આ સંખ્યા કુલ લોકોના 20 ટકા છે જેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી છે. ડેટા દર્શાવે છે કે કેનેડા ભારતીયો માટે બીજો સૌથી પસંદગીનો દેશ બની ગયો છે.
અમેરિકા આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જેમની નાગરિકતા માટે સૌથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. કેનેડા પછી ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયા અને ચોથા ક્રમે બ્રિટન છે, જેના માટે ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. જાન્યુઆરી 2018 થી જૂન 2023 ની વચ્ચે, લગભગ 8.4 લાખ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને 114 જુદા જુદા દેશોની નાગરિકતા સ્વીકારી હતી.
ભારતીય નાગરિકત્વ છોડી દેનારા 58 ટકા ભારતીયોએ કેનેડા અને અમેરિકા જવાનું પસંદ કર્યું હતું. ભારતની નાગરિકતા છોડવાનો આ ટ્રેન્ડ દર વર્ષે વધતો દેખાઈ રહ્યો છે, જોકે 2020માં મહામારીના કારણે નાગરિકતા છોડવાના દરમાં ઘટાડો થયો હતો. વર્ષ 2018માં ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 1.3 લાખ હતી, જે 2022માં વધીને 2.2 લાખ થઈ ગઈ છે. જૂન 2023 સુધીમાં, લગભગ 87,000 ભારતીયોએ વિદેશી નાગરિકત્વનો વિકલ્પ પસંદ કર્યો હતો.
ઇમિગ્રેશન એક્સપર્ટ વિક્રમ શ્રોફનું કહેવું છે કે ઘણા ભારતીયો એવા દેશોમાં જવાનું પસંદ કરે છે જ્યાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે. તેઓ કહે છે, “સ્થળાંતરિત થવા પાછળનાં ઘણાં કારણો છે, જેમ કે ઉચ્ચ સ્તરનું જીવન, બાળકોનું શિક્ષણ, રોજગારની તકો અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ. કેનેડા અને ઓસ્ટ્રેલિયા ઘર અને નાગરિકત્વ મેળવવાના નિયમોને સરળ બનાવીને વિદેશી પ્રતિભાઓને તેમના દેશમાં આકર્ષિત કરી રહ્યા છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે થોડા સમય પહેલા સંસદમાં કહ્યું હતું કે તેમની સરકાર સ્થળાંતર કરનારાઓના મહત્તમ ઉપયોગ માટે ઘણા પગલા લઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એક સફળ, સમૃદ્ધ અને અસરકારક ડાયસ્પોરા ભારત માટે અતિ લાભદાયક છે. અમારું વિઝન માઇગ્રન્ટ નેટવર્કનો સંપૂર્ણ લાભ લેવાનું અને દેશના હિત માટે તેની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારત-કેનેડા વિવાદથી ભારતીય મૂળના કેનેડિયનોની મુશ્કેલીઓ વધી
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને સોમવારે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂ થયો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાની શક્યતા છે. તેમના આ આક્ષેપને ભારતે જોરદાર રીતે નકારી કાઢતાં કહ્યું હતુ કે, કેનેડાના આક્ષેપો વાહિયાત છે.
ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!
આ આરોપ બાદ કેનેડામાં ભારતીય મૂળના હિન્દુઓ માટે મુશ્કેલીઓ વધી ગઇ છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. તણાવ વધતા ભારતે કેનેડા સાથે વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેનાથી સમસ્યા વધી ગઈ છે.