સરકારના જ અધિકારીઓ ભ્રષ્ટાકાર કરે તો બીજા તો કરવાના જ ને?? આ એટલા માટે કહેવું પડે છે કે હાલમાં ગાંધીધામનો એક કિસ્સો બહાર આવ્યો છે અને જેના કારણે આખા ગુજરાતમાં ધબધબાટી બોલી ગઈ છે. ગાંધીધામ ખાતે સીજીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરી આવક કરતાં અનેક ગણી વધારે સંપત્તિ ધરાવતા હોવાની બાતમીના આધારે દિલ્હી સીબીઆઈની ટીમે તપાસ શરુ કરી હતી. સીજીએસટીમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનરની એવી પોલ છતી થઈ કે ન પૂછો વાત.
આ અધિકારીએ આવક કરતા વધારે સંપતિ રાખી હતી અને હવે ઝડપાઈ ગયો. સીબીઆઈની ટીમે તેમના ઘરે સર્ચ કર્યુ હતુ અને એમાં મોટા મોટા ખુલાસા થયા છે. રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવતા ચકચાર મળી ગઈ છે.
જ્યારે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર – જંગમ મિલકતો હતી એ તો અલગ જ વાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશ ચૌધરી પરિવાર સાથે અમદાવાદમાં જે ફલેટમાં રહેતો હતો તેની કિંમત રૂ.6 કરોડ છે. તો વળી સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધવામાં આી ચૂક્યો છે.
હજુ સર્ચ ઓપરેશન તો શરૂ જ છે. જેમાં અંદાજે રૂ.10 કરોડની અપ્રમાણસર મિલકત મળી શકે એવી પણ વાતો વહેતી થઈ છે. મહેશ ચૌધરી અગાઉ કસ્ટમ એક્સાઈઝમાં ફરજ બજાવતા હતા. પરંતુ એકસાઈઝ ડિપાર્ટમેન્ટ બંધ થઇ જતા મહેશ ચૌધરીનું પોસ્ટીંગ સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યુ હતું. જેમાં ટેક્સની ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે મહેશ ચૌધરી પૈસા લેતો હતો. એટલા બધા પૈસા લીધા કે આજે આખા ગુજરાતમાં બદનામી થઈ રહી છે.