PSI ભરતી મુદ્દે કોંગ્રેસે ચર્ચાની માંગ કરીને ગૃહમાં દેખાવો કર્યા હતા. ગૃહમાં દેખાવો અને કોંગ્રેસના વોકઆઉટ બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજનો દિવસ સંપૂર્ણ વિપક્ષને સસ્પેન્ડ કરાયા બાદ કોઈ ગૃહમાં એન્ટ્રી કરી શકશે નહીં. રમણલાલ વોરાએ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી અને જે બાદ ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોરે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
નકલી દારુ, નકલી ચલણી નોટો અને હવે નકલી પોલીસ કૌભાંડ ગુજરાતમાં ચર્ચાએ છે. કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો જ્યારથી પર્દાફાશ થયો છે ત્યારથી જ વિરોધ તેની ચરમ સીમાએ પહોંચ્યો છે. આ જ મુદ્દો આજે ગૃહમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસ દ્વારા આજે એનો ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસે માગણી કરી હતી કે ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ચર્ચા કરવામાં આવવી જોઈએ.
જોત જોતામાં ગૃહમાં ચર્ચાએ રુદ્ર રૂપ ધારણ કર્યું અને સરકારને આડે હાથ લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ બોગસ વ્યક્તિ એકેડમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવીને પગાર મેળવ્યો, એનો જવાબ સુદ્ધા પણ સરકાર પાસે નથી. આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે વાતો અને ચર્ચા કરવા માટે કહ્યું હતું. જોકે ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું, તેથી વિવાદે વધારે જોર પકડ્યું હતું. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધી પેપરલીક થાય છે, જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી.