સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર અલીના યોગીએ ઈન્ડોનેશિયાના બાલી ખાતે એક પવિત્ર વૃક્ષ નીચે નેકેડ એટલે કે, નગ્નાવસ્થામાં ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યાર બાદ તેણે તે ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો જે અંગે વિવાદ જાગ્યો છે. આ મામલે અલીના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે અને તેને ૬ વર્ષ સુધીની જેલની સજા અથવા તો ૫૨ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
બાલીના આંત્રપ્રિન્યોર નીલુહ જેલાંટિકોની નજર અલીનાના આ ફોટો ઉપર પડી હતી અને તેમણે લોકલ ઓથોરિટીને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે જણાવ્યું હતું. નીલુહના કહેવા પ્રમાણે રશિયન યુવતી ૭૦૦ વર્ષ પુરાણા વ્હીપિંગ પેપરબાર્ક ટ્રી (ત્યાંના લોકો તેને કાયુ પુતિહ કહે છે) નીચે નગ્નાવસ્થામાં હતી.
જાે અલીના આ કેસમાં લોકલ પોર્ન લો અંતર્ગત દોષી ઠેરવાશે તો તેને ૬ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
બાલીના બાબાકન મંદિર ખાતે આ વૃક્ષ આવેલું છે. સ્થાનિક લોકો આ વિશાળકાય વૃક્ષને ખૂબ જ પવિત્ર માને છે માટે તેના નીચે નગ્ન ફોટોશૂટ મામલે રોષ પ્રવર્ત્યો છે. નીલુહના કહેવા પ્રમાણે ઈમિગ્રેશન અધિકારીઓ તે રશિયન યોગા ઈન્ફ્લુએન્સરને ટ્રેક કરી રહ્યા છે. આ તરફ મુદ્દો ગરમાયો હોવાથી અલીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તે ફોટો ડીલિટ કરી દીધો છે. ત્યાર બાદ ૪ મેના રોજ તેણે એક વીડિયો પોસ્ટ કરીને માફી પણ માગી હતી.
તેણે લખ્યું હતું કે, હું બાલી અને ઈન્ડોનેશિયાના તમામ લોકોની માફી માગું છું. મને મારા કર્યા પર પસ્તાવો છે. હું ખૂબ જ શરમ અનુભવી રહી છું. હું તમારી લાગણી દુભાવવા નહોતી માગતી. મને આ જગ્યા અંગે કોઈ જાણકારી નહોતી. વધુમાં લખ્યું હતું કે, મેં વૃક્ષ નીચે જઈને પ્રાર્થના કરી અને પછી સીધી પોલીસ સ્ટેશન ગઈ. મેં તેમને આ અંગે જણાવીને માફી માગી લીધી છે. પોલીસ પ્રવક્તા રાનેફલી ડિયાન કૈંડ્રાના કહેવા પ્રમાણે અલીના પોતે જ અધિકારીઓ પાસે પહોંચી હતી અને આ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.