છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો સામે આવતા જ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં ફરી દૈનિક કોરોના કેસનો આંક 100ને પાર જતો રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 119 કોરોના કેસ આવ્યા છે અને હાલમાં લોકોને વધારેમાં વધારે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સાજા થવાના આંકડા પર ધ્યાન કરીએ તો આજે વધુ 20 દર્દી સ્વસ્થ થયા છે. હાલમાં 435 એક્ટિવ કેસ છે. તો વળી 24 કલાકમાં 897 લોકોનું રસીકરણ કરવામા આવ્યું છે.
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધારે અમદાવાદમાં 63 કેસ નોંધાયા છે. એ જ રીતે રાજકોટમાં 13 કોરોના કેસ, સુરતમાં 13, મહેસાણામાં 9, વડોદરામાં 4 કેસ, અમરેલીમાં 4, ભાવનગરમાં 3 કોરોના કેસ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠામાં 2-2 કેસ નોંધાયા છે અને નવસારી અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ સામે આવ્યો છે.
ગઈ કાલની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં 55 ટકાનો વધારો થયો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હતો. રાજ્યમાં 90 નવા કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 49 દર્દીઓ મળી આવ્યા હતા. મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 8, સુરત શહેરમાં 6 કેસ નોંધાયા છે. સાબરકાંઠા જિલ્લા અને વડોદરા શહેરમાં 5-5 દર્દીઓ મળી આવ્યા છે. પોરબંદર, રાજકોટ જિલ્લામાં બે-બે, અમરેલી, ભરૂચ અને વલસાડમાં એક-એક દર્દીની પણ પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારના હેલ્થ બુલેટિન મુજબ 22 દર્દીઓને રજા આપવામાં આવી છે.