રાજ્યમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. આ વર્ષે શરૂઆતનું ચોમાસું નિયમિત રહેશે. બપોરે બંધાયેલા વાદળો ગાયબ થઈ જાય છે. એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે. ઝાકરી વાદળોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસું બેઠશે. આ વર્ષે ચોમાસામાં વરસાદ સારો રહેવાનો છે,
22મી જૂને ચોમાસું ગુજરાતમાં પ્રારંભ થશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. ઉપરાંત 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો રાજ્યમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેવાનો છે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે.
ગરમીને લીધે મુખ્ય રસ્તાઓ બન્યા સુમસામ
સમગ્ર ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ત્યારે સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી છે. લોકોને આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો હાય પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ બન્યા છે. તેમજ ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વધુમાં ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર રસ્તા સુમસામ જોવા મળે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે.
હવામાન વિભાગે આપ્યું 18થી 20 મે સુધી યલો એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ ગરમીમાં વધારો થવાનો છે. તેમજ ગરમીને લઈને 2 દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. અત્યારે કાળઝાળ ગરમીથી લોકોને રાહત નહીં મળે. વરસાદને લઈને તેઓએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 24 કલાક સુધી તાપમાનમાં યથાવત્ રહેશે. 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય વધારો થાય તેવી સંભાવના છે.
હીટ સ્ટ્રોક એટલે શું ?
હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં ‘લૂ લાગવી’ કહી શકો છો. આવું ત્યારે જ થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. હિટ સ્ટ્રોક આવતા જ તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે.