રશિયા – યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના કોઈ એંધાણ દેખાતા નથી અને તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં જાેરદાર વધારો ચાલુ છે. યુદ્ધ અગાઉ ક્રૂડ ૯૪ ડોલરની આસપાસ હતું તે વોર શરૂ થતા જ ૧૦૦ ડોલરને સ્પર્શી ગયું. યુદ્ધના એક અઠવાડિયા પછી ક્રૂડનો ભાવ ૧૧૬ ડોલર થઈ ગયો છે. છેલ્લા એક દિવસમાં ક્રૂડમાં ૫ ડોલરનો જંગી વધારો થયો છે. ભારત જેવા દેશ માટે આ સૌથી મોટી આફત છે જેનું ક્રૂડ ઈમ્પોર્ટનું બિલ આ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા છે.
ક્રૂડના ભાવમાં ગુરુવારે પણ તેજી જારી રહી હતી અને બ્રેન્ડ ક્રૂડ ઓઈલનો ભાવ ૧૧૬ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો હતો. હાલમાં ક્રૂડના સપ્લાયને અસર થઈ છે. રશિયા પર ભારે પ્રતિબંધ ઝીંકવામાં આવ્યા હોવાથી સપ્લાયની ચિંતા છે. યુએસ ક્રૂડ સ્ટોક્સ કેટલાક વર્ષોના તળિયે પહોંચ્યા છે. પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકઅને રશિયાએ બુધવારે મિટિંગ કરી હતી. તેમણે માર્ચમાં ઓઈલ ઉત્પાદનમાં ૪ લાખ બેરલનો વધારો કરવાનો ર્નિણય લીધો હતો.
ઓઈલની આયાત કરતા દેશોએ ઉત્પાદન વધારવાની વિનંતી કરી હોવા છતાં ઓઈલ ઉત્પાદક દેશો અત્યારે જંગી ઉત્પાદન કરીને ભાવ નીચે લાવવા માંગતા નથી. બ્રેન્ડ ક્રૂડ ફ્યુચરનો ભાવ ૧૧૬.૮૩ ડોલર હતો જે ઓગસ્ટ ૨૦૧૩ પછી સૌથી ઊંચો ભાવ છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૦ વવાગ્યે ક્રૂડ ૩.૬૭ ડોલર વધીને ૧૧૬.૬૦ ડોલર પ્રતિ બેરલ હતું.
ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણી ચાલી રહી હોવાથી સરકારે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર કરી દીધા છે. પરંતુ આગામી સપ્તાહે મતદાન પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો આંચકો આવે તેવી શક્યતા છે. લોકોને અત્યાર સુધીમાં ક્રૂડના ભાવમાં જે વધારો થયો છે તેને ધ્યાનમાં રાખતા બંને ઇંધણના ભાવમાં ઓછામાં ઓછા ૧૦ રૂપિયાનો વધારો કરવો પડે તેમ છે. સરકાર કદાચ ટેક્સ ઘટાડીને થોડી રાહત આપશે તેમ માનવામાં આવે છે.
યુએસવેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડનો ભાવ ૧૧૩.૦૧ ડોલર પ્રતિ બેરલ હતો. ડબલ્યુટીઆઈક્રૂડનો ભાવ ૧૧ વર્ષની ટોચ ૧૧૩.૩૧ પ્રતિ બેરલ સુધી જઈ આવ્યો છે. અમેરિકા હાલમાં રશિયા પરના પ્રતિબંધો હળવા કરવાના મૂડમાં નથી, તેના કારણે રશિયન ઓઈલ સપ્લાય ઘટશે. રશિયા એ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઓઈલ ઉત્પાદક દેશ છે જ્યારે ગ્લોબલ માર્કેટમાં તે ઓઈલનું સૌથી મોટું નિકાસકાર છે. ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકા ઓઈલની આયાત કરે છે.
ડિસેમ્બરમાં રશિયાનું દૈનિક ઉત્પાદન ૭૮ લાખ બેરલ હતું. ઓઈલના વધતા ભાવ સામે રક્ષણ મેળવવા માટે અમેરિકાએ ઓઈલનો જંગી જથ્થો ઇન્વેન્ટરી તરીકે રાખ્યો છે, પરંતુ હવે ઇન્વેન્ટરીમાં પણ ઘટાડો થયો છે. અમેરિકાનું સ્ટ્રેટેજિક રિઝર્વ ૨૦ વર્ષના તળિયે છે. ઓકલાહોમા ક્રૂડ હબમાં ૨૦૧૮ પછી સૌથી ઓછા ક્રૂડનો જથ્થો છે.