ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રકિયા શરૂ છે. પાંચ કલાક સુધી આ પ્રકિયા ચાલશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. જેને લઈને જોઈ શકાય છે કે, વૃક્ષો એક તરફ નમી ગયા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ હોવાની ઘટના પણ બની છે.
આ ઉપરાંત કચ્છમાં એક જગ્યાએ ભારે પવનને કારણે હોર્ડિંગનો થાંભલો સ્ટ્રક્ચરમાંથી ઉખડી ગયો છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતા અંગે અનુમાન લગાવી શકાય છે. તો બીજી તરફ, સુરેન્દ્રરનગર જિલ્લામાં પણ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાયો હતો. જેને કારણે વૃક્ષો ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે.
અમરેલીના મોરંગી ગામે પણ ભારે પવનને કારણે ઘરોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યાં અનેક ઘરનાં નળિયા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત કચ્છના નખત્રાણામાં પણ ભારે પવનને કારણે ઘરનાં છાપરાં ઉડવા લાગ્યા હતા.
કચ્છના મુન્દ્રા પોર્ટ પર આવેલી અદાણીની બિલ્ડિંગને પણ ભારે પવનને કારણે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ, મોરબીના આમરણ ગામ પાસે પણ એક મહાકાય વૃક્ષ રસ્તા પર પડ્યું હતું. તેને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ વિભાગને કરતા ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટના જેતપુરમાં પણ વાવાઝોડને પગલે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈને જેતપુરમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો.કચ્છમાં લેન્ડફોલ સમયે અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો.
જેને લઈને નેટવર્ક ખોરવાતા અનેક ગામ સંપર્કવિહોણા બન્યા હતા.કચ્છમાં લેન્ડફોલ સમયે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા તમામ વૃક્ષો નમી પડ્યા હતા. જેને લઈને ભયાવહ દૃશ્યો સર્જાયા હતા.
વાવાઝોડાને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. તેને લઈને ઓખા બંદરના હાલ બેહાલ થઈ ગયા હતા. તો વળી એક જગ્યાએ ભારે પવનને કારણે ઝાડના વચ્ચેથી બે ફાળિયા થઈ ગયા હતા.