ગીર સોમનાથના ઉના શહેરમાં રામ નવમીના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. આ મામલે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે હવે ફરીથી કાજલ ચર્ચામાં આવી તે અને ફરીથી મુશ્કેલીમાં વધાર થયો છે. કાજલ પર મહારાષ્ટ્રમાં મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં દ્વેષપૂર્ણ ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડે તેવા ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
હકીકતમાં, 12 માર્ચે, સકલ હિન્દુ સમાજના નેજા હેઠળ હિન્દુ આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 5 હજાર લોકોની ભીડ એસકે સ્ટોન ગ્રાઉન્ડ સુધી આવી હતી, તે જ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે કલમ 153A અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.
મીરા રોડ પોલીસ સ્ટેશને તેની તપાસમાં કાજલ હિન્દુસ્તાનીનું ભાષણ નફરતભર્યું ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડતું હોવાનું જણાયું હતું. સકલ હિન્દુ સમાજ દ્વારા આયોજિત આ આક્રોશ મોરચો લવ જેહાદની થીમ પર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન મીરારોડના ગોલ્ડન નેસ્ટ થઈને એસકે સ્ટોન પહોંચ્યું હતું. ત્યાર બાદ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે અહીં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ વક્તવ્ય આપ્યું હતું.
આ જ કેસના સમાચાર આપતા ડીસીપી જયંત બજબલેએ જણાવ્યું હતું કે આ મામલાની સંજ્ઞાન લઈને પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી અને જ્યારે પોલીસને નક્કર માહિતી મળી હતી. ત્યાર બાદ જ અમે એફઆઈઆર નોંધી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.