માહિતી બ્યુરો ( ગોધરા ): રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે.
ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકી પાવાગઢ ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના (ડી.સી.એફ) ની અધ્યક્ષતામાં ગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવાગઢ પર્વતના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો છે.
આ અંગે હાલોલ રેન્જ ફોરેસ્ટ અધિકારી સતીષ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે આવેલ પર્વતમાં અંદાજિત ૪૦ હેકટર વિસ્તારમાં કુલ ૫૦૦ કિલો બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે. વધુમાં તેમણે જણાવ્યું કે,અત્યારે વાંસ,સીતાફળ, કણજ, ખાટી આમલી,બોરસ આમલી,ખેર સહિત કુલ સાત પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં આકાશમાંથી મોત વરસ્યું, વીજળી પડવાની આ રાજ્યમાં 18 લોકોના મોત, ઘણા ગંભીર રીતે દાઝી પણ ગયા
દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લૉ કોસ્ટ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી નીવડી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.