ગુરુવારે પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે બીજો વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ છે. પોલીસે અમૃતસરથી એક શકમંદની અટકાયત કરી છે. આ લેટેસ્ટ બ્લાસ્ટ સુવર્ણ મંદિર પાસે રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર આવી ગયા હતા. તરત જ પોલીસને જાણ કરવામાં આવી, ત્યારબાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી.
જોકે, બ્લાસ્ટની આ જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી સાવ અલગ હતી. નવીનતમ વિસ્ફોટ પ્રથમ ઘટના સ્થળથી લગભગ બે કિલોમીટર દૂર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અમૃતસરથી એક શકમંદની અટકાયત કરી છે. પંજાબ પોલીસ ગુરુવારે સવારે 11 વાગ્યે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે. ડીજીપી ગૌરવ યાદવ આ કોન્ફરન્સને સંબોધિત કરી શકે છે.
શનિવારે સાંજે પણ બ્લાસ્ટ થયો હતો
ગયા શનિવારે પણ સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે પોલીસે કહ્યું કે તે ચીમની બ્લાસ્ટ હતો. શનિવારના બ્લાસ્ટના મામલામાં પંજાબ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ ટીમે રેસ્ટોરન્ટની ચીમનીમાં વિસ્ફોટ થવાથી બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું. આ પછી ન તો સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો કે ન તો વિસ્તારને કવર કરીને માર્કિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં, ફોરેન્સિક તપાસ માટે આ વિસ્તારને તાત્કાલિક સીલ પણ કરવામાં આવ્યો ન હતો. બ્લાસ્ટના સ્થળે પોલીસકર્મીઓ તેમજ સામાન્ય લોકોના ચંપલ સાથે ફરવાને કારણે ફોરેન્સિક ટીમને બ્લાસ્ટમાં વપરાયેલા કેમિકલના સેમ્પલ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
IED બ્લાસ્ટ
આ પછી, સોમવારે થયેલા વિસ્ફોટમાં, વિસ્ફોટકને ધાતુના કેસમાં રાખવામાં આવ્યો હતો અને પોલીસે સ્થળ પરથી ધાતુના ઘણા ટુકડાઓ કબજે કર્યા હતા. એવી શંકા છે કે પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરીને ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટક (બોમ્બ) હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. શનિવારે થયેલા બ્લાસ્ટ બાદ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર એક કિલોમીટર દૂર છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે કેટલાક ઘરોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.