હવામાન વિભાગે ફરી પાંચ દિવસ કમોસમી વરસાદાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગ ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી છે.
અમદાવાદમાં પણ આજે હળવો વરસાદ પડવાની શક્યતા છે. 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ અને દીવમાં વરસાદની આગાહી છે. 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ આગામી 11 એપ્રિલ સુધી અમદાવાદનું આકાશ ક્યારેક અંશતઃ વાદળછાયું બનશે તો ક્યારેય ગરમી પણ રહેશે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદ થવાની આગહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પાછલા માવઠા કરતા આ માવઠાનું જોર ઓછું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા તારીખ 5 એપ્રિલના સવારના 8.30થી 7 એપ્રિલના સવારના 8.30 દરમિયાન માવઠાની અસર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, આ પછી વરસાદની સંભાવના ના રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું, જોકે, હવે ધીમે-ધીમે ગરમીનું જોર વધી રહ્યું છે.
સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં માર્ચ મહિનો ચોમાસા જેવો રહ્યા બાદ એપ્રિલમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. વરસાદી વાતાવરણના લીધે મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે.ગુજરાતમાં વર્ષ 2023નું વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે એપ્રિલની સાથે મે મહિનામાં પણ આંધી અને વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.