દારુબંધી ધરાવતા ગુજરાતમાં અવાર નવાર વિદેશી અને દેશી દારુ ઝડપાવાના કિસ્સા બનતા રહે છે. ત્યારે દેશી દારૂ વેચતા બુટલેગરો પર પોલીસે ફરી એકવાર તવાઈ બોલાવી છે. સુરતના ઓલપાડ પોલીસે દેશી દારૂના અડ્ડા પર સપાટો બોલાવ્યા અને અનેક અડ્ડાઓ ધમધમતા જોવા મળ્યા છે.
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ સતર્ક બની છે અને વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે. ઓલપાડ તાલુકાના વિવિધ ગામડામાં પોલીસ એકાએક ત્રાટકતા જોવા જેવી થઈ હતી. આ રેડ પાડતા દેશી દારૂનો પદાર્થ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 220 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓલપાડના વિવિધ ગામડાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધરીને દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવતા આજુબાજુના ગામડાઓમાં પણ ત્રાહિમામ જોવા મળ્યો હતો.
વિગતો મળી રહી છે કે ટુંડા, લવાચા,સાયણ,દેલાડ, કમરોલી સહિતના ગામોમાં પોલીસ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હતી. આકરી કાર્યવાહી કરતાં પોલીસે 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરોને ઝડપી પાડી છે. દેશી દારૂ બનાવાનું 14,100 લિટર રસાયણ નાશ પણ જગ્યા પર જ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન 220 લિટર દેશી દારૂ ઝડપી લેવાયો હોવાની માહિતી મળી રહી છે.