Gujarat Weather Forecast : ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, રાજ્યમાં હજુ પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવી છે. ગુજરાત પર ચોમાસાની સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે રાજ્યભરમાં વરાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, હવામાન વિભાગે આગામી સમયમાં સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત પર થવાની પણ શક્યતાઓ જણાવી છે.
રાજ્યમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યંત કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી સમયમાં પણ રાજ્યભરમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં થઈ રહેલા ભારે અને અત્યંત ભારે વરસાદનું કારણ પણ જણાવ્યું છે, આ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં અતિથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે, હળવાથી સામાન્ય વરસાદ રહેશે અને તેની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ સંભાવના છે.