Gujarati News : રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological department) આજે બપોરે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી (Manorama Mohanty) દ્વારા આગાહી કરતા મંગળવારે જણાવાયુ છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવ્યુ છે કે, શહેરમાં પણ વધારે વરસાદની કોઈ શક્યતા નથી. વાદળો બની શકે છે અને સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે, તેની પણ સંભાવના ઘણી જ ઓછી છે.
હવામાન વિભાગના મેપ પર જોઇએ તો આજે એટલે 23મી ઓગસ્ટના રોજ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મેપ પરથી જોઇએ તો 24મી તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.