હવામાન વિભાગ દ્વારા સોમવારે આગાહી કરવામાં આવી તેમાં ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, ભેજનું પ્રમાણ વધવાથી બફારો વધશે જેના કારણે અકળામણ વધી શકે છે. તાપમાન ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધવાથી પરસેવે રેબઝેબ થઈ શકો છો. આ સાથે અમદાવાદ માટે આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં હાલ તાપમાન 42-43 ડિગ્રીની આસપાસ રહે છે, જેમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસના હવામાનની આગાહી કરાઈ હતી. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ થવાની વધુ સંભાવનાઓ નથી. આ સિવાય આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. એટલે કે આજથી ચાર દિવસ માટે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
હવામાન વિભાગે સોમવારે બપોરે કરેલી આગાહીમાં ગરમીથી સામાન્ય રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે, ગરમીમાં ઘટાડો થવાની સંભાવનાની સાથે ભેજનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. જોકે, ભેજનું પ્રમાણ વધવાથી અકળામણ વધશે.
હાલ બપોરના સમયે પણ અમદાવાદમાં ભેજનું પ્રમાણ 45% જેટલું છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા ભાગોમાં બપોરના સમયે પણ ભેજનું પ્રમાણ 60-70ની વચ્ચે નોંધાયું છે. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં હાલ ભેજનું પ્રમાણ ઓછું છે.
અમદાવાદ શહેર 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તપમાન 42 ડિગ્રી રહ્યું હતું. આ સિવાય અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રના ત્રણ ભાગોને છોડતા બાકી તમામ જગ્યાઓ પર 35 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
હાલ રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભેજનું પ્રમાણ 80%ને પાર જઈ રહ્યું છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. બપોર પછી ગરમીનું જોર વધતા ભેજના પ્રમાણમાં ઘટાડો થવા લાગે છે. પરંતુ આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતાઓના કારણે બફારો અને અકળામણ વધી શકે છે.
ડૉ. મનોરમા મોહંતીએ અમદાવાદની સાથે ગાંધીનગરના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. અમદાવાદ માટે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે, આજ પછી અમદાવાદમાંથી યલો એલર્ટ દૂર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો
Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…
બે-ત્રણ દિવસ પછી ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હવામાન સૂકું રહેવાની જ સંભાવના ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભેજનું પ્રમાણ વધવાની ગરમીમાં ઘટાડો થશે.રાજ્યમાં સૌથી નીચું મહત્તમ તાપમાન 33 ડિગ્રી દ્વારકા તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નોંધાયું હતું.