હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ચાલી રહી છે ત્યારે એક વિદ્યાર્થિનીના કમરથી નીચેનો ભાગ ખોટો પડતા ચાલવા માટે અસર્મથ હતી. છતાં પણ વિદ્યાર્થિનીએ હિંમત કરીને એમ્બ્યુલન્સમાં ધોરણ 12ની પરીક્ષા આપવા પહોંચી હતી, આ જોઈને દરેક આ દીકરીને શાબાસી આપી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે.
આ દીકરી ભાવનગરની છે અને વિદ્યાર્થિનીનું નામ ઈશિતા વ્યાસ છે. તેણે આખું પેપર ખુરશીમાં બેસીને લખ્યું હતું. ત્યારે આ દૃશ્ય ખરેખર જોવા જેવું હતું. ઉલ્લેખનીય છે કે ધોરણ 12ની એક્સટર્નલ વિદ્યાર્થિની તરીકે ઈશિતા વ્યાસ પણ પરીક્ષા આપી રહી છે.
જેનો કમરથી નીચેનો ભાગ અચાનક ખોટો પડી ગયો હતો. છતાં પણ ભારે ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા એમ્બ્યુલન્સમાં પહોંચી હતી. આ દીકરી ભાવનગર શહેરના નિર્મળનગરમાં રહે છે અને નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.
ઈશિતા અરુણભાઈ વિશે વધારે વિગતો મળી રહી છે કે દીકરીએ મક્કમ નિર્ધાર અને કંઈક કરી છૂટવાની જીદે પથારીવશ હોવા છતાં ધોરણ 12ની પરીક્ષાઓની તૈયારીઓ કરી હતી અને હાલમાં પરીક્ષા પણ જોશ જુસ્સા સાથે આપી રહી છે. તબીબોએ આશાવાદ આપ્યો છે કે, આ યુવતી પહેલાં જેવી જ ઠીક થઈ જશે, પરંતુ સમય લાગશે.
હાલમાં ધોરણ-12ની પરીક્ષામાં એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચરમાં સૂઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી અને ચેરમાં બેસી પેપર લખ્યું હતું. વિદ્યાર્થિનીએ પણ પોતાની વાત કરી હતી કે મને ન્યુઓમાઈટીસ એપ્ટિકા નામની બીમારી થઈ છે. જેમાં કેટલાય દર્દીઓની રિકવરી અશક્ય હોય છે અને કેટલાકની શક્ય હોય છે, ત્યારે મને પણ હજુ સંપૂર્ણ રિકવરી આવી નથી. હજુ રિકવરી આવવામાં સમય લાગશે. ગયા વર્ષે હું પરીક્ષા આપી શકી ન હતી. જેનો મને ખૂબ અફસોસ થયો હતો. પરંતુ આ વખતે હું પરીક્ષા આપી રહી છું.