Gujarat News: સાળંગપુર વિવાદ મામલે અનેક સાધુ સંતો અને સામાન્ય લોકો સામે આવી રહ્યા છે અને પોતાનું નિવેદન તેમજ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જો કે હજુ નેતાઓ ઓછા બોલી રહ્યા છે અને ભાગ્યે જ કોઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એવામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન સેવ્યું છે. ઘટના અંગે હાથ જોડી કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો છે. જે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં સેટેલાઇટ બસ સ્ટેન્ડના લોકાર્પણ કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જ્યાં તેમને આ વિવાદ અંગે પૂછતા તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી અને બે હાથ પણ જોડ્યા હતા. તો વળી ઘણા નેતાએ આ મિત્ર હટાવી લેવાની પણ વાત કરી છે.
સાંસદ રામભાઈ મોકરિયાએ આ ભીતચિત્રો વિશે પોતાનો મત લોકોની સામે રાખ્યો હતો. તેમણે કહ્યું કે, હું મારુતિ નંદનનો ભક્ત છું, મારુતિ નંદન આપણા ભગવાન છે, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ ચિત્રો વ્યાજબી નથી, તેને હટાવી નાખવા જોઈએ. સનાતમ ધર્મમાં અંદરોઅંદર વિવાદ થાય અને અન્ય લોકો રાજી થાય એવું ન થવું જોઈએ.
વિધાનસભાના દંડકે પણ સાળંગપુર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લએ જણાવ્યું કે, હનુમાનજી બધાના આરાધ્યા દેવ છે અને હનુમાનજી માટે કોઈ વિવાદ ન હોવો જોઈએ. જે સંસ્થાએ આ પ્રતિમા મૂકી એણે પણ કંઈક વિચાર્યું હશે. હિંદુ સંસ્કૃતિના આરાધ્યા દેવ રામ છે અને રામના દાસ હનુમાનજી છે.
તો એ જ રીતે સાળંગપુર મંદિર વિવાદ મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, સાંજ સુધીમાં સ્થાનિક કક્ષાએથી વિવાદનો અંત આવે તેવી શક્યતા છે. ગઈકાલે પણ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. આજે સવારે પણ સ્થાનિકો સાથે વાતચીત કરી છે અને કોઈની લાગણી દુભાઈ કે વિવાદ થાય તેવા ચિત્રો પોસ્ટ ન કરવા જોઈએ. તેથી વિવાદનો તાત્કાલિક અંત આવે એવી લાગણી છે. ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રના વિવાદ મુદ્દે સાધુ સંતોથી લઈ નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યાં છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે.