Gujarat News: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ ખાબકશે.
તો વળી હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગાહી પ્રમાણે વરસાદ આવે છે કે કેમ?
એ જ રીતે ભારતના હવામાનની વાત કરીએ તો લોકોને ગરમી અને તડકાથી રાહત મળવાની છે. હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે અને ફરી એકવાર વરસાદની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દેશના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. IMDએ જણાવ્યું કે નીચા દબાણનો વિસ્તાર દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશની વચ્ચે દરિયાકાંઠે આવેલ છે. વિભાગે કહ્યું કે તેની અસરને કારણે ઓડિશામાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે.