અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરાઈ છે. ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસકર્મીઓને નિ:શુલ્ક હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસમિત્રોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું. અલગ અલગ ઉદ્યોગગૃહોના સહયોગથી 1850 જેટલી હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રોડ અકસ્માતોના બનાવ વધતાં જાય છે. આવા બનાવો અટકાવવા તેમજ જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સમગ્ર ટીમને આ સરસ અભિગમ અપનાવવા બદલ અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું હતું કે, રોડ અકસ્માત અટકાવવા આવનારા દિવસોમાં આ પ્રકારના અભિયાન પર કામ કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. જેથી કરીને રોડ અકસ્માતોના બનાવોમાં ઘટાડો લાવી શકાય. આજે અકસ્માતમાં મૃત્યુ પામેલાની સંખ્યામાં 100માંથી 30 વ્યક્તિ હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે મૃત્યુ પામે છે. વધુમાં હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને સંબોધતા કહ્યું કે, આપણે હેલ્મેટ પહેરીએ તો જ નાગરિકોને અમલીકરણ માટે કહી શકીશું. ગુજરાત સરકાર રોડ અકસ્માતના બનતા બનાવો અટકાવવાની દિશામાં કામ કરી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જિલ્લાના સાણંદ GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા ASI બહેનનું માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય એસ.પી. શ્રી અમિત વસાવાએ જિલ્લાના તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓની સુરક્ષા અને સલામતી માટે નિ:શુલ્ક હેલ્મેટનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. આ સાથે તમામ પોલીસ કર્મચારીઓને નિયમિતપણે હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સૂચનથી રાજ્ય ટ્રાફિક વિભાગ, ગાંધીનગર દ્વારા અકસ્માતમાં થતા મૃત્યુદરને ઘટાડવા અમદાવાદ રેન્જ હેઠળ ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં એક પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોનો અકસ્માતના આંકડાનો અભ્યાસ કરી કુલ 134 જેટલા હોટ સ્પોટસ પર સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું. જે અંતર્ગત 950થી પણ વધારે ટ્રાફિક જાગૃતતા અંગેના કાર્યક્રમો યોજીને 20,000થી પણ વધારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેની સમજ આપવામાં આવી હતી.
આ અંગે વાત કરતા અમદાવાદ ગ્રામ્ય એસ.પી. અમિત વસાવા જણાવે છે કે, હેલ્મેટ વિતરણ તથા બાઇક રેલી જેવી એક અનોખી પહેલ દ્વારા અમે જિલ્લાના તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા અંગે સમજ આપી હતી. અને નાગરિકોને પણ હેલ્મેટના મહત્ત્વ વિશે એક સંદેશો આપ્યો છે. વધુમાં શ્રી અમિત વસાવાએ કહ્યું કે, ટ્રાફિક નિયમનનું પાલન કરવું અને કરાવવું એ આપણા સૌની ફરજ છે. આપણે સૌ સાથે મળીને આ ફરજ યોગ્ય રીતે નિભાવીશું તો માર્ગ અકસ્માતના બનતા બનાવો જરૂરથી ઘટાડી શકીશું.
આજે ટામેટાંએ તોડી નાખ્યાં તમામ રેકોર્ડ, શાકભાજી મોંઘાદાટ થયા; જાણો આજનો ભાવ, મોંમા આંગળા નાખી જશો!
આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વી. ચંદ્રશેખર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઇન્ચાર્જ પ્રેમવીર સિંઘ, જોઈન્ટ સીપી અજય ચૌધરી, અમદાવાદ ગ્રામ્ય એસ.પી. અમિત વસાવા તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તથા ધારાસભ્ય અમિત ઠાકર, કૌશિક જૈન, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
~ વ્રજ મણીયાર, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.