Gujarat Monsoon forecast : રાજ્યમાં ફરીથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના ચાર જિલ્લામા ભારે વરસાદની આગાહી છે. આ સાથે કાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાનું પણ અનુમાન છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શુક્રવારે આપેલી આગાહી મુજબ, રાજ્યમાં એક બે દિવસ વરસાદી માહોલની શક્યતા છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં 24 કલાકમાં મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં પણ વરસાદ આવી શકે છે.
બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, 9મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહી શકે છે. જ્યારે કચ્છમાં વરસાદની સંભાવનાઓ નહિવત હોવાની સંભાવના હવામાન વિભાગે કહી છે. મોટાભાગે અહીં હવામાન સૂકું રહી શકે છે.
આવતીકાલથી એટલે 10 સપ્ટેમ્બરથી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. જે પછીના બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની જ સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે. આજે ક્યાં ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આજે અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ માટે થંડરસ્ટોર્મ વોર્નિંગ પણ આપવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે તથા રાતના સમયે હળવા વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના અંગે કરેલી આગાહી અનુસાર રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આગામી 12 તારીખે ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને ત્યાર પછી 13 તારીખ બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.