રાજ્યમાં માવઠાથી મુક્તિ મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉપરાંત બીજી તરફ ભેજ તથા વરસાદના વિદાય પછી ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદમાં સોમવારે તાપમાનનો પારો 40ને પાર થઈ ગયો હતો. આગમી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાના ભાગોમાં ગરમી જોર પકડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદમાં ગરમીનું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે, સોમવારે જ પારો 40ને પાર કરીને 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. આગામી સમયમાં શહેરનું મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યના ઉત્તર ભાગ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આકરી ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અમદાવાદ માટે 9 તારીખ એટલે કે આજના દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે 10-11 તારીખ માટે ઓરેન્જ એલર્ટ અને 12 તારીખ માટે ફરી એકવાર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી પડવાની સાથે લોકોને ચેતવણી પણ આપવામાં આવી શકે છે.
રાજ્યમાં સોમવારે સૌથી વધુ 42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ગરમ રહ્યું હતું, જ્યારે અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ભૂજ, કંડલા (એરપોર્ટ), રાજકોટ, ડીસા, ગાંધીનગર, વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો. આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે.
રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ નથી, રાજ્યભરનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, હવે રાજ્યનું તાપમાન 2-3 ડિગ્રી વધવાની શક્યતા છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભરઉનાળે સામાન્ય કરતા નીચું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું હતું, પરંતુ હવે તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ હવામાન અંગે આગાહી કરીને 8મી મેએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ (પશ્ચિમ બંગાળમાં બની રહેલા) વાવાઝોડાની અસર નથી, હમણાં થશે પણ નહીં, રાજ્યનું તાપમાન સૂકું રહેવાની વધુ સંભાવનાઓ છે, વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે. જોકે હજુ વાતાવરણમાં ભેજ છે, ક્યાંક એકાદ જગ્યાએ લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટી થઈ પણ શકે છે, પરંતુ 99 ટકા વરસાદ નહીં થવાની શક્યતાઓ છે.