ગુજરાતના કાઠિયાવાડની વાત જ કંઇક અલગ છે. અહીં દરેક પ્રદેશ પોતાની આગવી ખાસિયતને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જેમાં હાલારનું હૃદય એવા જામનગરની તો વાત જ નિરાળી છે. અહીંની ખાણીપીણી, રહેણી-કહેણી બધામાં વિવિધતાની સાથે આગવી ઢબ જોવા મળે છે. અહીંના લોકો અવનવી ચટાકેદાર વાનગીના શોખને કારણે જાણીતા છે. જેમાં જામનગરની કચોરીનો સ્વાદ લાજવાબ છે. જાણીને નવાઈ લાગશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ જામનગરની સૂકી કચોરી ખુબ જ પસંદ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નિવાસસ્થાને આ કચોરી હંમેશા મોકલવામાં આવતી તેવો દાવો કરવામાં આવે છે.
વર્ષ 1965માં શરૂઆત થઇ હતી
જામનગરમાં ફેમસ વસ્તુની વાત આવે એટલે કચોરીનો ઉલ્લેખ જરૂર આવે. જામનગરની કુકુ બ્રાન્ડની કચોરી લોકોને દાઢે વળગી છે. આ અંગે વાત કરતાં કુકુ બ્રાન્ડના વિશ્વેસ વાસુએ જણાવ્યું કે, કુકુ બ્રાન્ડની કચોરીની કમાન આજે અમે ચોથી પેઢી સંભાળી રહ્યા છે. જેની શરૂઆત મારા દાદાએ વર્ષ 1965માં શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ સાયકલ પર શહેરમાં સ્કૂલોમાં આ કચોરી વહેંચવા જતાં હતાં. એ સમયે તેઓ 15 પૈસાની કિંમતે કચોરી વહેંચતા હતા. ત્યારબાદ ધીમે ધીમે કુકુ કચોરીનો સ્વાદ લોકોને પસંદ આવવા લાગ્યો હતો અને આજે કુકુ કચોરી મોટી બ્રાન્ડ બની ગઇ છે. આજે સાદી કચોરી 240 રૂપિયા એક કિલોના ભાવે મળે છે, જ્યારે ડ્રાયફ્રુટ કચોરી 480 રૂપિયા કિલોના ભાવે વેંચાય છે.
કચોરીમાં એવી શું ખાસિયત છે ?
લોકોને સ્વાદનો ચટાકો લગાડનાર કુકુ કચોરીની એક નહીં અનેક ખાસિયત છે. આ અંગે દુકાનના માલિકે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ ફરસાણની એક્સપાયરી એક કે બે મહિના જ હોય છે. પરંતુ કુકુ કચોરી 3થી 4 મહિના સુધી બગડતી નથી. જેમ કે, એક વખત ખાધા બાદ તેનો સ્વાદ લાંબા સમય સુધી રહે છે અને બહુ તીખી હોતી નથી જેથી બાળકો અને મોટા બધા ખાઈ શકે છે. તો બનાવવામાં હાઇઝિનનું વધુ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને ચોખ્ખું કપાસિયા તેલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.
હવામાન વિભાગની પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, આજે ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
કુનોના 13 ચિતાઓને ‘બોમસ’માં ખસેડાયા, હવે 2 ચિતા ‘ફ્રી રેન્જ’માં, જાણો કારણ