ભારે આર્થિક તંગીના કારણે શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. દેશમાં ખાવા-પીવાની વસ્તુની કિંમતોમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. આ કારણે લોકોએ અનેક કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ભોજનની રાહ જાેવી પડે છે. ભારત પહોંચેલા શ્રીલંકન શરણાર્થીઓએ જણાવ્યું કે, ત્યાં ચોખાની કિંમત ૫૦૦ શ્રીલંકન રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
૭૯૦ રૂપિયામાં માત્ર ૪૦૦ ગ્રામ દૂધનો પાઉડર મળે છે. જ્યારે એક કિલો ખાંડની કિંમત ૨૯૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાંતોએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે, ૧૯૮૯ના ગૃહ યુદ્ધ સમયે જે રીતે પલાયન થયું હતું એ પ્રકારે પલાયન થવાની આશંકા છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રાનો ભંડાર ખાલી થયો છે.
જેથી દેશ પાસે બહારથી જરૂરી વસ્તુઓની આયાત કરવા નાણાં નથી. આ વર્ષે શ્રીલંકાએ ૬ અબજ ડોલરનું દેવું હપ્તારૂપે ચુકવવાનું છે પરંતુ વિદેશી મુદ્રા ભંડાર ૨ અબજ જેટલું માંડ છે. તેવામાં એક તરફ ચીને જ્યાં હાથ ઉંચા કરી દીધા છે ત્યાં ભારતે ૧૭ માર્ચના રોજ ૧ અબજ ડોલરની ક્રેડિટ ફેસિલિટી આપવાનો ર્નિણય લીધો છે.