World News: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ 25માં દિવસમાં પ્રવેશી ગયું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં લગભગ 9000 લોકો માર્યા ગયા છે. લગભગ 15,000 લોકો ઘાયલ થયા છે. જ્યારે ગાઝા પટ્ટીના કેટલાક વિસ્તારોમાંથી લાખો લોકો વિસ્થાપિત પણ થયા છે. ઈઝરાયેલની સેનાએ હમાસના આંતંકીઓ સામે હવાઈ હુમલાની સાથે સાથે જમીની હુમલા પણ શરૂ કરી દીધા છે. આ જ ક્રમમાં મંગળવારે માહિતી આપતા ઈઝરાયેલે કહ્યું કે સીરિયન સેનાએ ગાઝાની જમીનની અંદર સુરંગોમાં રહેતા હમાસ આતંકીઓ પર જોરદાર હુમલો કર્યો છે.
ગાઝામાં ટનલનો નાશ કરવો એ ઇઝરાયેલી સેનાનું મુખ્ય લક્ષ્ય છે. કારણ કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ હમાસે ટનલ અભિયાન તેજ કર્યું છે. હમાસના આતંકીઓએ ગાઝામાં કેટલાક સો કિલોમીટર સુધી ટનલ નાંખી છે, જે ઈઝરાયેલ માટે મોટો ખતરો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ રોકવાના કોલને ફગાવી દીધા છે.
“ગત દિવસોમાં, સંયુક્ત IDF લડાયક દળોએ આશરે 300 લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં શાફ્ટની નીચે એન્ટી-ટેન્ક મિસાઇલ અને રોકેટ લોન્ચ પોસ્ટ્સ તેમજ હમાસ આતંકવાદી સંગઠનની ભૂગર્ભ સુરંગોની અંદરના લશ્કરી અડ્ડાઓનો સમાવેશ થાય છે,” ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) જણાવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ એન્ટી ટેન્ક મિસાઈલ અને મશીનગન ફાયરથી જવાબ આપ્યો હતો.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે વિદેશ વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન શુક્રવારે ઇઝરાયેલની મુલાકાતે ત્યાંની સરકારના સભ્યો સાથે મુલાકાત કરશે અને પછી પ્રદેશના અન્ય સ્ટોપ પર રોકાશે. ઈજિપ્ત, જોર્ડન અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયોએ ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં આવેલા જબાલિયા શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે, જેમાં 50 લોકો માર્યા ગયા હતા અને 150 થી વધુ ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર ગઈકાલે ગાઝા શહેરની બહાર ઇઝરાયેલની ટેન્ક આગળ વધતી જોવા મળી હતી. AFPએ એક સાક્ષીને ટાંકીને જણાવ્યું હતું કે ટેન્ક ગાઝા સિટીના દક્ષિણ કિનારે આવેલા ઝાયતૌન જિલ્લામાં પ્રવેશી હતી.
હમાસે બંધકોની મુક્તિને લઈને મોટું અપડેટ આપ્યું છે. હમાસે મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે આગામી થોડા દિવસોમાં બંધક બનાવવામાં આવેલા વિદેશી નાગરિકોને મુક્ત કરશે. આ સાથે હમાસની સશસ્ત્ર પાંખે ગાઝા પટ્ટીને ઈઝરાયલી સેના માટે કબ્રસ્તાનમાં બદલવાની પણ જાહેરાત કરી હતી.