લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કેપ્ટન કેએલ રાહુલને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની IPL મેચમાં ધીમી ઓવર રેટ માટે રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં રાહુલનો બીજો સ્લો ઓવર રેટનો ગુનો હતો. આ પહેલા કેએલ રાહુલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેએલ રાહુલ આ સિઝનમાં બીજી વખત ધીમા ઓવર રેટ માટે દોષી સાબિત થયો છે. જો કેએલ રાહુલ આ સિઝનમાં વધુ એક વખત આવું કરશે તો તેના પર એક મેચનો પ્રતિબંધ લાગશે.
IPLએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “KL રાહુલને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને બાકીની પ્લેઇંગ XI પર 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25%નો દંડ ફટકારવામાં આવ્યો છે.” કેએલ રાહુલે મુંબઈ સામે 62 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિર્ધારિત 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ માત્ર 132 રન જ બનાવી શકી અને 36 રનથી મેચ હારી ગઈ.
આ જીત સાથે લખનૌ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર આવી ગયું છે. મુંબઈ સામે કેએલ રાહુલે 62 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. આ સિઝનમાં કેએલ રાહુલે તેની બીજી સદી ફટકારી હતી અને આઈપીએલમાં આ તેની ચોથી સદી હતી. તે આવું કરનાર બીજો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.
આ સિવાય તેણે T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 6 સદી ફટકારી છે અને આ સાથે તે રોહિત શર્માના સ્તર પર પહોંચી ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીના નામે T20 ક્રિકેટમાં 5 સદી છે. હાલમાં રોહિત શર્મા અને કેએલ રાહુલના નામે 6-6 સદી છે.