સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) 2022-23ની ત્રીજી શ્રેણી શુક્રવારે બંધ થશે. તેથી જો તમે હજુ સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનું ખરીદ્યું નથી તો આજે છેલ્લી તક છે. ગોલ્ડ બોન્ડની આ શ્રેણી 19 ડિસેમ્બરે રોકાણ માટે ખોલવામાં આવી હતી અને આજે 23 ડિસેમ્બરે બંધ થશે. સરકારની આ સ્કીમ હેઠળ તમે 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે સોનું ખરીદી શકો છો. સોનાની સતત વધતી કિંમતો વચ્ચે તમે આ તકનો લાભ લઈ શકો છો કારણ કે બજારમાં સોનાના ભાવ 54 હજાર રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે.
IBJA રેટ મુજબ ગુરુવારે સોનાની કિંમત 54,763 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ. આ રીતે એક ગ્રામની કિંમત ગણીએ તો તે રૂ.5400થી વધુ બેસી જશે. રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે. પરંતુ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. રિઝર્વ બેંકે ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
સોનું ખરીદનારને પણ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે. પરંતુ 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ માત્ર ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને જ મળશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે. 27 ડિસેમ્બરે પાત્રતા ધરાવતા અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે.
ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે. આ ગોલ્ડ બોન્ડમાં સરકારી ગેરંટી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ વ્યક્તિ એક ગ્રામ સોનું ખરીદીને રોકાણ શરૂ કરી શકે છે. રોકાણકારો એક ગ્રામ સોનાના ગુણાંકમાં સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.
SGB સ્કીમમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું પડશે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં કોઈપણ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો સોનું ખરીદી શકાય છે. અવિભાજિત હિન્દુ પરિવારો અને ટ્રસ્ટો માટે આ મર્યાદા 20 કિલો નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેંક ચાલુ નાણાકીય વર્ષ માટે ગોલ્ડ બોન્ડની ચોથી શ્રેણી 6 માર્ચ, 2023થી શરૂ કરશે.
તમે બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નામાંકિત પોસ્ટ ઓફિસો અને માન્ય એક્સચેન્જ લિમિટેડ દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુથી સરકારી ગોલ્ડ બોન્ડ યોજના સૌપ્રથમ નવેમ્બર 2015 માં રજૂ કરવામાં આવી હતી.