Religion News: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના પચેડ ગામના લોકો રામ ભક્તિમાં એ રીતે લિન છે કે જેની ફક્ત પ્રશંસા જ નહીં પરંતુ એક અલગ ઓળખ ઉભી થઇ છે. અહીં આવેલા નાગનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 8 વર્ષથી સતત અખંડ રામાયણના પાઠ થઇ રહ્યા છે.
બાળકોએ પણ ટીમ બનાવી
રામાયણ પાઠ માટે ગામ લોકોએ અદ્દભૂત વ્યવસ્થા બનાવી છે. જે માટે 200 લોકોનું લિસ્ટ મોબાઇલ નંબર સાથે બનાવવામાં આવ્યુ છે. લિસ્ટ મુજબ દરરોજ 6થી 8 લોકો બદલી-બદલીને રામાયણના પાઠ કરે છે. અહીંની ખાસ વાત એ છે કે, પચેડ ગામના મોટાભાગના લોકોને હવે રામાયણ કંઠસ્થ થઇ ગઇ છે એટલું જ નહીં બાળકો પણ રામાયણના પાઠનો આનંદ ઉઠાવે છે. તેઓએ પણ રામાયણ પાઠ વાંચવા માટે ટીમ બનાવી લીધી છે.
22 જાન્યુઆરીએ ભંડારાનું આયોજન
મહત્વની વાત જણાવીએ તો, રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે તે જ દિવસે આ મંદિરમાં વિશાળ ભંડારો યોજાશે. સાથે જ 1 દિવસ પહેલા એટલે 21 જાન્યુઆરીના દિવસે 2100 દીવાઓથી મંદિરને સજાવવામાં આવશે. સાથે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ LED પર ગ્રામલોકો લાઇવ નિહાળશે.
નાગનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન
આમ જોઇએ તો પચેડ ગામનું નાગનાથ મંદિર અતિ પ્રાચીન છે. પરંતુ રામાયણ પાઠથી આ ગામને વધુ ઓળખ મળી છે. આ મંદિરમાં વર્ષ 2016માં રામ નમવીના દિવસે અખંડ રામાયણના પાઠ વાંચવાની શરૂઆત થઇ હતી. ત્યારે 8 વર્ષ બાદ પણ આજની તારીખે મંદિર પરિસરમાં સતત રામાયણના પાઠ ગુંજે છે.