ભગવાન રામ આજે આ દ્રશ્ય જોઈને ઘણા દુખી થયા હશે, કારણ કે એકતરફ દેશભરમાં આજે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર શોભાયાત્રા નીકળી રહી છે. ત્યારે વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણનીલ ઘટના સામે આવી છે. રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ છે અને લોકો વચ્ચે જબરો ડખો થઈ ગયો છે. આ બનાવ અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. જો કે આ પછી અનેક વીડિયો પણ સામે આવ્યા છે અને જેમાં લોકો મુસ્લિમ કોમનું નામ લઈને પણ વાતો કરી રહ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યકર્તા બોલી રહ્યા છે કે અમારા દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી ભવ્ય શોભાયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે આ મુસ્લિમ કોમે અમારી પર ધાબા પરથી પથ્થર ફેંક્યા છે. અમારી ગાડીઓને પણ નુકસાન થયું છે. જો અમારા કોઈપણ કાર્યકર્તાની ધરપકડ થઈ તો…
આગળ આ કાર્યકર્તા વાત કરે છે કે યાદ રાખજો અમારો કોઈ વાંક નથી. અમે આખા વડોદરાને ઘેરી વળીશું. અમારો કોઈ વાંક નથી. મસ્જિદ પરથી પથ્થર મારો શરૂ થયો હતો. ગુનેગારોને કાઢી કાઢીને મારશું. હું ગુજરાત પોલીસને કહેવા માગુ છું કે કર્ણાવતીમાં દોડાવી દોડાવીને માર્યા હતા એ ભૂલશો નહીં. કર્ણાવતીમાં તમારી પોલીસને દોડાવી દોડાવીને મારી છે. જો મારા એક પણ કાર્યકર્તાની ધરપકડ થઈ તો આખું વડોદરા ભડકે બળશે.. આ વીડિયો પણ હાલમાં ભારે વાયરલ કરવામાં આવી રહ્યો છે.