જાપાનના પૂર્વ પીએમ શિંજાે આબેની શુક્રવારના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એકબાજુ શિંજાે આબેની હત્યાથી દુનિયાભરમાં આઘાતની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને દુનિયાભરના દેશોએ દુઃખની લાગણી અનુભવી હતી, પણ આ વચ્ચે ચીનના કેટલાય લોકો શિંજાે આબેની હત્યા થતાં ખુશ હતા, તેઓએ આબેની હત્યાની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, ચીની લોકોએ આબેની હત્યા કરનારા શૂટરને ‘હીરો’ ગણાવ્યો હતો.
પશ્ચિમ જાપાનમાં કેમ્પેઈન દરમિયાન ભાષણ આપતાં શિંજાે આબેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આબેને ગોળી મારી હોવાની ખબર સામે આવતાં જ ચીની લોકોએ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબો ઉપર તેઓને મૃત્યુની શુભેચ્છા પાઠવી હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતાં ચાઈનીઝ પોલિટિકલ કાર્ટૂનિસ્ટ, આર્ટિસ્ટ અને એક્ટિવિસ્ટ બડિયુકાઓ દ્વારા ટ્વીટર પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.
તેઓએ ટ્વીટર પર ચાઈનીઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના અનેક સ્ક્રીનશોટ શેર કર્યાં હતા, જેમાં ચીની લોકો દ્વારા જાપાનના પૂર્વ પીએમ પર થયેલ હુમલાની ઘટનાનો જશ્ન મનાવવામાં આવતો હતો. તેમના દ્વારા શેર કરવામાં આવેલાં સ્ક્રીનશોટ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે, ચીન આબેના મૃત્યુ માટે તેમના યુઝર મારફતે કેમ્પેઈન ચલાવે છે. વીચેટ પર અન્ય એક યુઝરે લખ્યું કે, હું આશા રાખું છું કે, હાલના જાપાનના પીએમને ગોળી વાગી હોય અને કોરિયાના પીએમને પણ…અન્ય એક યુઝરે લખ્યું હતું કે, એન્ટી જાપાન હીરો(હુમલાખોર) તારો આભાર, શું હું હસી શકું?
વીચેટ પર અન્ય એક યુઝરે લખ્યું કે, પાર્ટી ટાઈમ, આજે હું બહુ જ ખુશ છું. આબેના સમર્થકો કેવી રીતે આ ઘટનાને આધારે એન્ટી ચીન એજન્ડાને આગળ વધારશે તેવી ટ્વીટ કરતાં ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે એક્સપર્ટને ટાંકીને લખ્યું હતું કે, આબે ઉપર થયેલાં હુમલાના પગલે જાપાનની રાઈટ વિંગ ઉશ્કેરાશે. આબેના સક્સેસર અને સપોર્ટર્સ આ ઘટનાને ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક અને ક્વોડમાં ભાગ લેવો, પૂર્વ એશિયામાં નાટોની એન્ટ્રી માટે અવાજ ઉઠાવશે.
અન્ય એક ચાઈનીઝ એક્સપર્ટે કહ્યું કે, આબે ઉપર થયેલાં હુમલાને કારણે વિદેશ પોલિસી ઉપર અસર પડશે, જેમ કે ચીન અને અમેરિકા સાથેના સંબંધો ઉપર. જાે કે, ચીની સરકાર દ્વારા આ શૂટિંગની ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. શુક્રવારે બેઈજિંગમાં મીડિયાને સંબોધતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, જાપાનના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર શિંજાે આબે ઉપર શૂટિંગની ઘટનાથી ચીન આઘાતમાં છે, તેમના પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ ઝડપથી સાજા થાય.