રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ધોધમાર બેટિંગ બાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યા છે. વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો કેટલાક ડેમો પણ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે.
તલોદમાં ભારે વરસાદ ખાબક્યો
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજ સવારથી અત્યાર સુધીમાં 107 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ તલોદમાં ખાબક્યો છે. તલોદમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં સવા 4 ઈંચ, ખેરાલુમાં 4 ઈંચ, ધનસુરામાં પોણા 4 ઈંચ, મોડાસામાં 4 ઈંચ, વિરપુરમાં પોણા 4 ઈંચ, વિજાપુરમાં પોણા 4 ઈંચ, પ્રાંતિજમાં 3.5 ઈંચ, વિસનગરમાં 3.5 ઈંચ, બાયડમાં સવા 3 ઈંચ, દાંતામાં પોણા 3 ઈંચ, વિસાવદરમાં પોણા 3 ઈંચ, ઉંજામાં સવા 2 ઈંચ, શેહરામાં સવા 2 ઈંચ, હિંમતનગરમાં સવા 2 ઈંચ અને સંજેલીમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલું છે. વરસાદને લઈ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મહેસાણા બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદથી પ્રવેશદ્વાર અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફ્રિક ડાયવર્ટ કરાયો છે. તો બહુચરાજીમાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા હાઇવેનો રસ્તો બંધ થયો છે. હારીજ-બહુચરાજી હાઇવે બંધ થતાં લોકો અટવાયા છે. ભારે વરસાદના કારણે બહુચરાજી વિસ્તારના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
મહીસાગર જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરના વીરપુર, લુણાવાડા, ખાનપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે કોઠંબા વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર જિલ્લાના વિરપુરની લાવેરી નદીમાં પાણીની આવક થઈ છે. વિરપુરની લાવેરી નદી બે કાંઠે થતા વિરપુરના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વિરપુરના નવા મુવાડા, રતન કૂવા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આસપુર ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. આસપુર ગામમાં વરસાદને પગલે નદીનાળા છલકાયા છે.
અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો
અરવલ્લીના મોડાસામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. મોડાસામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોડાસા માર્કેટયાર્ડની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. મોડાસા ઉપરાંત ધનસુરામાં પણ 1 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. ધનસુરાના મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. બજારોમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. આ ઉપરાંત બાયડમાં પણ ધોધમાર વરસાદ પડતા માહોર નદીનાં પાણી દેરોલ ગામમાં ઘૂસ્યાં છે. દૂધમંડળીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. કમ્પ્યુટર અને વજનકાંટો પાણીમાં ડૂબી ગયા છે.
હિંમતનગર-વિજાપુર રોડ પર ટ્રાફિક
સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ તલોદનું મોરલ ડુંગરી તળાવ ઓવરફ્લો થયું છે. પ્રથમ વરસાદમાં જ તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદથી તમામ રસ્તાઓ પર પાણી ફળી વળ્યા છે. હિંમતનગર-વિજાપુર રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હાથમતી નદી ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી
ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો
કચ્છના ભુજમાં આવેલું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં ભુજમાં સરકારી રજા જાહેર કરાઇ છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છ કલેકટરે ભુજમાં 1 દિવસની રજા જાહેર કરી છે.