Meteorological department’s rain forecast: રાજ્યભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે, અને તેનું જોર સાવ નહીંવત્ થઈ જવાથી લોકો રાહત જોવા મળી છે. રાજ્યમાં બધી જગ્યાએ સામાન્ય જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. ખેડૂત (farmer) પણ વરસાદે વિરામ લેતા તેના ખેતીકામમાં ઉત્સાહપૂર્વક કામે લાગી ગયા છે. જોકે હવે વરસાદના ચોથા રાઉન્ડની આગાહીએ જોર પકડ્યું છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે (Meteorological department) આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.
કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain forecast) છે. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.
માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh) તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની શક્યતા છે. જેને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન (Deep depression) આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક સાબિત થશે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
આજે આ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે
આજે ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, જામનગરમાં વરસાદની સંભાવના છે.
6 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
6 ઓગસ્ટે પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની આગાહી છે.