Cricket News: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે ભારત આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર બેટિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. આ અંગે રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
એએનઆઈ સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું, “ડ્રેસિંગ રૂમમાં ક્રિકેટર હોવા ઉપરાંત હું ઘણા વર્ષોથી કોચ પણ રહ્યો છું. જે થયું એ તદ્દન ખરાબ દેખાય છે, કારણ કે જ્યારે તમે અહીં પહોંચો અને પછી હારી જાઓ છો. પરંતુ જ્યારે તમે નિરાશા અનુભવો છો અને તે સમયે દેશના વડાપ્રધાન પોતે તમારા ડ્રેસિંગ રૂમમાં આવે છે તો તે ખુબ મોટી વાત છે.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું, “પીએમનું ડ્રેસિંગ રૂમમાં આવવું એ ખેલાડીઓમાં ઉત્સાહ પેદા કરવા જેવું છે. કારણ કે પીએમનું ડ્રેસિંગ રૂમમાં જવું એ કોઈ સામાન્ય માણસ જેવું નથી. હું જાણું છું કે પીએમની મુલાકાત વિશે ખેલાડીઓ કેવું અનુભવતા હશે. મેં ભારતીય ટીમના કોચ તરીકે આ પહેલા પણ આવું જોયું છે.
પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં ગયા
ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી નિરાશ દેખાઈ રહ્યા હતા. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન પોતાના આંસુ પર કાબૂ રાખી શક્યા નહોતા. શમીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને વડાપ્રધાને તેને ગળે લગાડ્યો. તેણે જસપ્રિત બુમરાહને પણ તેના ખભા પર હાથ મૂકીને પ્રોત્સાહિત કર્યા હતા.