કહેવામાં આવી રહ્યું છે કે આજથી માવઠાના મારથી બધાને છૂટકારો મળી શકે છે. આવતીકાલથી તાપમાનમાં વધારો થઈ શકે છે અને 2થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાત પર હજુ એક દિવસ કમોસમી વરસાદનું સંકટ છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વળી અમદાવાદમાં આજે તેજ પવન ફૂંકાશે. એ જ રીતે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, જામનગરમાં કમોસમી વરસાદની આગાહી છે અને અમરેલી, દ્વારકા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ ખાબકવાની પુરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં જ બે વખત માવઠુ પડી ગયું છે અને હવે ત્રીજા માવઠાને લઈ પણ આગાહી કરી છે. ત્યારે માવઠાથી થયેલ નુકસાનનું વળતર પણ ખેડૂતોને નથી મળ્યું અને જેના કારણે ગુજરાતના ખેડૂતો ભારે રોષે ભરાયા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવા સરકાર સામે માંગ પણ કરી છે.
જો કે મોટી વાત એ છે કે 3 વર્ષમાં 8 વખત માવઠું થયું પણ વળતર ના મળ્યાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. ખેડૂતોએ કહ્યું કે, ચાલુ વર્ષે માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. લાખો કરોડો રૂપિયા ધોવાયા છે પરંતુ સરકાર માત્ર આશ્વાસન જ આપે છે પણ વળતર કોઈ આપતું જ નથી.
ખેડૂતોએ આગળ વાત કરી કે નુકસાની અંગે યોગ્ય રીતે સર્વે પણ નથી કરાતો. તાત્કાલિક ખેડૂતોને વળતરના રૂપિયા મળવા જોઈએ એવી અમારી આકરી માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. એક અનુમાન પ્રમાણે 3 વર્ષમાં 8 વખત માવઠું પડ્યું છે. ત્યારે ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોની આર્થિક રીતે 3 વર્ષમાં મોટી નુકસાની થઈ છે. ત્યારે આ વર્ષે પણ સતત માવઠાના પગલે ખેડૂતોના ઉત્પાદનને વ્યાપક નુકસાન છે. જેમાં જીરું, વરિયાળી, એરંડા, કપાસ, ઇસબગુલ, ડુંગળી જેવા પાકોને નુકસાન થયું છે.