આરસીસી બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપરીયાએ બાગેશ્વર બાબા વિશે એક નિવેદન આપ્યું હતું અને પોતાના ફેસબુકમાં ધડાધડ ચાર પોસ્ટ કરી હતી. જેને લઈને તેમને ધમકીઓ પણ મળી રહી છે. મીડિયા સમક્ષ તેમણે આવી ઘણી વાતો પણ કહી છે, કારણ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી 1થી 2 જૂન દરમિયાન રાજકોટ ખાતે યોજવાનો છે.
જો કે હવે આ વિવાદ મામલે બુધવારના રોજ એ ડિવિઝન પોલીસ દ્વારા તેમની બેંક ખાતે તેમની સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. મીડિયા સાથે વાતચીતમાં પુરુષોત્તમ પીપરીયાએ જણાવ્યું હતું કે, મેં પોલીસ પ્રોટેકશન લેવાનો ઇનકાર કર્યો છે. હું સનાતનની છું. મેં મંદિરો પણ બંધાવ્યા છે, પરંતુ હું અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છું. આ નિવેદનો પણ ખુબ વાયરલ થયા હતા, જો કે હવે કંઈક અલગ જ વાત સામે આવી રહી છે.
વિવાદના વંટોળ વચ્ચે આજે બાગેશ્વર ધામ સેવા સમિતિ અને પુરુષોત્તમ પીપરીયા વચ્ચે મુલાકાત થઈ હતી. કિરીટભાઈ ગણાત્રાની મધ્યસ્થી દ્વારા બંને પક્ષો એક થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા એક પ્રેસ પણ રિલીઝ કરવામાં આવી છે.
આ રિલીઝ પ્રેસમાં આવું કહેવામાં આવ્યું છે કે ડોક્ટર પુરુષોત્તમ પીપરીયા સનાતન ધર્મનો વિરોધ કરતા નથી. તેઓ માત્ર અંધશ્રદ્ધા અંગે કહેવા માગતા હતા. ડોક્ટર પુરુષોત્તમ પીપરીયા ચુસ્ત સનાતની છે. તે બાબતને હ્રદયથી આવકારી છે. અંધશ્રદ્ધા અંગેનો જે મુદ્દો ડોક્ટર પુરૂષોત્તમ પિપરીયાએ ઉઠાવ્યો છે, તે અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું, ટ્રસ્ટીઓનું તેમજ સંયોજકોનું ધ્યાન દોર્યું છે. હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ હવે તેમના સમર્થકોની ફોજ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલી જોવા મળી રહી છે.