મધર્સ ડેનો દિવસ તમામ માતાઓ અને તેમના બાળકો માટે ખાસ હતો, પરંતુ પ્રિયંકા ચોપરા માટે આ દિવસનો અર્થ અલગ છે. તેમણે આ દિવસે પહેલીવાર તેમની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસને ગળે લગાવી હતી. 8 મે 2022ના રોજ સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ તેમની પુત્રીની પ્રથમ તસવીર શેર કરી હતી.
નિક અને પ્રિયંકાએ જણાવ્યું કે કેવી રીતે તેમની બાળકી 100 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા બાદ પહેલીવાર ઘરે આવી. ફોટોની વાત કરીએ તો તેમાં નિક અને પ્રિયંકા સાથે બેઠા છે. પ્રિયંકાના ખોળામાં તેની પુત્રી માલતી છે, જેને તે પોતાની છાતી પર લગાવી હગ કર્યુ છે. ફોટામાં નિક અને પ્રિયંકાએ છોકરીના ચહેરાને સફેદ હૃદયની ઇમોજીથી ઢાંકી દીધી છે.
કેપ્શનમાં વર્ણવતા નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ લખ્યું, ‘આ મધર્સ ડેની અમે છેલ્લા કેટલાક મહિનાઓથી રાહ જોઈ રહ્યા છીએ અને રોલરકોસ્ટર જેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. હવે બીજા ઘણા લોકોએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. NICU માં 100 થી વધુ દિવસો ગાળ્યા પછી અમારી નાની દેવદૂત આખરે ઘરે છે.
તેણે આગળ લખ્યું, ‘દરેક પરિવારની સફર અલગ-અલગ હોય છે અને તેના માટે વિશ્વાસ જરૂરી છે. અમારા છેલ્લા કેટલાક મહિના પડકારોથી ભરેલા હતા. પરંતુ હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દરેક ક્ષણ સંપૂર્ણ અને કિંમતી છે. અમે અત્યંત ખુશ છીએ કે અમારી બાળકી આખરે ઘરે છે. અમે લોસ એન્જલસમાં રેડી ચિલ્ડ્રન્સ લા જોલા અને સીડર સિનાઈ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સ અને નિષ્ણાતનો તેમની નિઃસ્વાર્થ મદદ માટે આભાર માનીએ છીએ.
આ સિવાય નિક જોનાસે પત્ની પ્રિયંકા ચોપરાની પ્રશંસામાં કેટલાક શબ્દો પણ લખ્યા હતા. તેણે લખ્યું, ‘તમામ માતાઓ અને સંભાળ આપનારાઓને મધર્સ ડેની શુભેચ્છા. હું મારી અતુલ્ય પત્ની પ્રિયંકા ચોપરાને સ્પેશિયલ મધર્સ ડેની શુભેચ્છા આપવા માટે થોડો સમય ફાળવવા માંગુ છું. આ તેણીનો પ્રથમ મધર્સ ડે છે. બેબી તમે મને દરેક રીતે પ્રેરિત કરો છો અને તમે આ નવી ભૂમિકા એટલી સરળતા અને સુસંગતતા સાથે ભજવી રહ્યા છો. આ પ્રવાસમાં તમારી સાથે રહીને હું ખુશ છું.
પ્રિયંકા ચોપરાએ નિક જોનાસની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને ‘આઈ લવ યુ’ કહ્યુ છે. દીકરીના ઘરે આવવાથી બંને ખુશ છે અને આ સાથે ચાહકો અને સેલેબ્સ પણ કપલને અભિનંદન આપી રહ્યા છે અને તેમની પુત્રી માલતી મેરીને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. જો કે પ્રિયંકા અને નિકે જાન્યુઆરી 2022 માં પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. બંનેએ જણાવ્યું હતું કે તેમની પુત્રીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.