નકલી દારુ, નકલી ચલણી નોટો અને હવે નકલી પોલીસ કૌભાંડ ગુજરાતમાં ચર્ચાએ છે. કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો જ્યારથી પર્દાફાશ થયો છે ત્યારથી જ વિરોધ તેની ચરમ સીમાએ પહોંચ્યો છે. આ જ મુદ્દો આજે ગૃહમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસ દ્વારા આજે એનો ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસે માગણી કરી હતી કે ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ચર્ચા કરવામાં આવવી જોઈએ.
જોત જોતામાં ગૃહમાં ચર્ચાએ રુદ્ર રૂપ ધારણ કર્યું અને સરકારને આડે હાથ લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ બોગસ વ્યક્તિ એકેડમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવીને પગાર મેળવ્યો, એનો જવાબ સુદ્ધા પણ સરકાર પાસે નથી. આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે વાતો અને ચર્ચા કરવા માટે કહ્યું હતું. જોકે ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું, તેથી વિવાદે વધારે જોર પકડ્યું હતું. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધી પેપરલીક થાય છે, જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી.
ચાવડાએ આગળ વાત કરી કે હવે એક મયૂર તડવી નામની વ્યક્તિ પરીક્ષા પાસ કર્યો વિના સીધી કરાઇ એકેડેમીમાં પીએસઆઇની તાલીમ મેળવી રહી છે. આ કેવી રીતે શક્ય બની શકે? આ બાબતે સરકારે ગૃહમાં 116 હેઠળની નોટિસ આધારે તાકીદે ચર્ચા કરવી જોઇએ, જેથી ગુજરાતના યુવાનો જે ચિંતા કરી રહ્યા છે એનો જવાબ યુવાનોને મળે. તો વળી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભાના નિયમ પ્રમાણે 116ની નોટિસ આપી છે, એનો મતલબ એ નથી કે આજે જ ચર્ચા થાય. 116ના નિયમ બનેલા છે એ મુજબ કાર્યવાહી થશે. વિધાનસભાના નિયમો મુજબ સમય ચર્ચા માટે સમય આપવામાં આવશે, પરંતુ આજે આ મામલે ચર્ચા નહીં થાય. જે કોંગ્રેસના ધારાસભ્યે વોક આઉટ કરવું હોય તો તે કરી શકે છે.
આ જ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કરાઇ એકેડેમી મામલો ગંભીર છે. આ ગંભીર ગુનાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટું રેકેટ છે. રાજ્યના ડીજીપી દ્વારા ગઇકાલે આ બાબતે પ્રેસ-કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. આજે જવાબ જોઇએ તો મારા ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. રાજકીય રોટલા શેકવાની કોઈ ટ્રાય ન કરે. કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો છે, જ્યારે કેસની તપાસ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. બીજી તરફ, સરકારે સ્વીકાર કર્યો કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. અકાદમીમાં તાલીમ લઈ રહેલા 582 તાલીમાર્થીના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યાં ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ બાબત સ્પષ્ટ થતાં ચાર દિવસ પહેલાં જ ગુપ્ત તપાસ શરૂ કરાઈ હતી અને મયૂરની હિલચાલ પર પણ વોચ રખાઈ હતી.
તો વળી આ મુદ્દે ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંસદીય લોકશાહીની પ્રણાલિને જાળવી રાખીને ગૃહની કામગીરી ચલાવવી આપણા સૌની જવાબદારી છે. વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષે ચર્ચા માટે ઉઠાવેલા મૂદ્દા સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ દરમ્યાન થતાં કહ્યું કે, રાજ્યમાં કોઇપણ ઘટના બને તો તેના માટેની ચર્ચા ખુલ્લા મને કરવા તેમની સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને ખુલ્લું રહેશે. ગૃહની કાર્યવાહી નિયમાનુસાર ચાલતી હોય ત્યારે વિપક્ષના સભ્યો જે રીતે મુદ્દો ઉઠાવીને ચર્ચા કરવા ફરજ પાડી રહ્યા છે તે સ્હેજ પણ વ્યાજબી નથી. એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકો હોય કે યુવાઓ સૌનું હિત જ આ સરકાર ઇચ્છે છે અને સરકારે એમાં કાંઇ છૂપાવવાનું નથી.
ગૌતમ અદાણીનો જમ્પ તો મુકેશ અંબાણી નીચે ખાબક્યા, જાણો હવે અબજોપતિની યાદીમાં બન્ને ક્યા સ્થાન પર છે
વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, પેપર લીકની ઘટના બની એ સંદર્ભમાં પણ સરકાર કડકમાં કડક પગલાં લઇ શકાય તે માટેની કાયદાકીય જોગવાઇઓ કરતું વિધેયક ગૃહમાં લાવી છે. એટલું જ નહિ, એમાં પણ સૌ સભ્યોએ ચર્ચાઓ કરીને આ વિધેયક પસાર કર્યુ છે. યુવાનોને કોઇપણ પ્રકારે નુકશાન ન થાય એ માટે સરકાર પ્રોએક્ટીવ થઇને કામગીરી કરી રહી છે. કાયદાકીય રીતે ગેરવ્યાજબી પ્રવૃત્તિ રોકવાની પૂરતી તાકાત સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. સરકારે આવી પ્રવૃત્તિઓને સાંખી નથી અને સાંખી લેવાની પણ નથી. વિપક્ષ દ્વારા વિધાનગૃહમાં આયોજનબદ્ધ રીતે વિરોધ કરીને ગૃહની કામગીરી ખોરંભે પાડવાના પ્રયાસની પણ આલોચના કરી હતી.