ગુજરાતમાં હાલ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ પાણી ભરાઈ જવાની તસ્વીરો પણ સામે આવી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી12 કલાક 8 જિલ્લાોમાં ભારેથી અતિભારે તો 11 જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટીંગ જોવા મળી શકે છે.
અગાઉ અંબાલાલ પટેલે જુલાઈ માસ સારો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, 18, 19 અને 20 તારીખોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે જણાવ્યુ હતું કે આ વખતનું ચોમાસું નિયમિત ચોમાસાની પેટર્ન કરતા અલગ છે. બિપોરજોય વાવાઝોડાના કારણે અલગ-અલગ ભાગોમાં હવાના દબાણ બન્યા હતા.
આવી અલગ પ્રકારની પેટર્નમાં ચોમાસા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવી ખુબ અઘરી છે, પરંતુ વરસાદ જુલાઈ માસમાં સારો રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જે એકદમ સાચી પડી છે. ઓગસ્ટની શરુઆત અંગે પણ તેમણે કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી હતી.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઓગસ્ટની શરુઆતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, 17મી ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે. જોકે, ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે 5મી ઓક્ટોબરે પવન ફૂંકાશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતાઓ છે, 16 નવેમ્બરે પણ હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે. 18-20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સ્થિતિ રહેશે.
અંબાલાલ પટેલ ગ્રહો અને નક્ષત્રો તથા કુદરતી ફેરફારોના આધારે હવામાન અંગે આગાહી કરતા હોય છે, તેમની આગાહી ખેડૂતો માટે લાભદાયી પણ સાબિત થતી હોય છે. આ ચોમાસાનું સરવૈયું કરીએ તો લાબું ચાલવાની શક્યતાઓ છે, તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.