Gujarat News: અંબાલાલ અને હવામાન વિભાગની રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એમાં પાટણ જીલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
આજે વહેલી સવારથી જ પાટણ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સાંતલપુર, રાધનપુર તાલુકાનાં વાતાવરણમાં પલટો આવતા આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. એ જ રીતે દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરુ થયા છે.
આ સાથે જ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા વરસતા ખેતીમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આજે વહેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ, જોડીયા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બરડા પંથકના ગામો મોઢવાડા, રામવાવ સહિતના ગામોમાં કમોસમી વરસાદની નોંધાયો હતો છે. સૌરાષ્ટ્રમાં શનિવારે સાવત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં પણ સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં છે.
આ તરફ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મિશ્ર ઋતુ દરમિયાન કમોમસી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લગ્નનો પણ માહોલ છે. એવામાં લોકોના ખોડેલા મંડપ પણ ઉડી ગયા છે અને લગ્નમાં કાદવનો કમઠાણ થયો છે.